પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
204
સમરાંગણ
 


ભીંજાતો એ બોલ્યો ત્યારે એના કંઠમાં ધ્રુજારી હતી : “જો સાંભળ. પંદર જ દીમાં આંહીં પડ ભેળાશે એ નક્કી છે...”

“હવે મને ખબર છે ખબર, રોતલ ! ઊભા રો’ તમે.” એમ કહી રાજુલે કાંટાળી વાડ્યની ઝાંપલી ખોલી અને હાક મારી : “કોઈ છે કે કૂબામાં?”

દોડતા જઈને નાગે એના મોં આડો હાથ ભીંસી દીધો. કાકલૂદી કરી : “ભલી થઈને... હવે નહિ બોલું. હાલો.”

બેઉ અંદર ચાલ્યાં ત્યારે આડો ઊતરીને એક કાળો લિસોટો વીજળીના ઝળેળાટમાં પરખાયો. એ સાપ હતો. નાગે રાજલની સામે જોયું. રાજુલ હસીને બોલી : “એય જાતો હશે એની કોકને જ ગોતવા. એ પણ જીવ છે ને બચાડો.”

ઝૂંપડીમાં નાગની માતા જોમાબાઈ બેઠાં હતાં. જોગીઓની જમાત ભેળાંભેળાં એ પણ પેલી અબોલ યુવતીને લઈ આંહીં આવ્યાં હતાં. નાગ આંહીં વારંવાર જતો-આવતો. રાજુલની વાત માને કહી રાખી હતી.

રાજુલ અને નાગ બેઉ એ બુઢ્‌ઢી પાસે બેઠાં. બુઢ્‌ઢીએ રાજુલને ચુપચાપ નીરખ્યા કરી. નીરખતું મોં ચિંતા, અધીરાઈ, શંકા, કરુણા અને આકાંક્ષાના ભાવોના એક સામટા ઘૂંટણમાંથી ઘોળાયેલો રંગ દાખવતું હતું. માતા જાણે કે આ બેય જણના વિધિ-લેખે વાંચવા મથતી હતી.

ઘણી વાર પછી એણે રાજુલના માથા પર હાથ મૂક્યો ને સહેજ મોં મલકાવ્યું. ભૂચર મોરીની ધાર માથેથી તે વખતે મોરલાની ગળક ઊઠતી હતી.

ઝૂંપડીના એક ખૂણામાં બેઠીબેઠી બીજી જુવાન બાઈ પણ આ બે જણાંને પથ્થર-શી અચલ આંખે તાકી રહી હતી. એ મોં ઉપર શૂન્યતાનો જાણે શોષાયેલો દરિયો હતો.

અબોલ માતાના હાથનો આશીર્વાદ પૂરો થયો. બેઉ ઊઠીને બહાર નીકળ્યાં.

“કોણ છે એ ડોશીમા ?” રાજુલે પૂછ્યું.