પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમરાંગણને માર્ગે
209
 

 પછી ‘ઇલલ્લા’ નામનો ઉચ્ચાર કરી નટ દોડે તેમ દોડી, દારૂથી મસ્ત બનેલા હાથીઓની નજર ચુકાવી, કલાબા ઉપર આવી, કુંભસ્થળો થાપડી, ‘હે મહાકાળરૂપ ! કેસરીસિંહને મારનારા અને જુદ્ધમાં નહિ હઠનારા !’ એવાં વિશેષણે ‘બાપો ! બાપો !’ કહી હાથીઓને બિરદાવ્યા, ને પછી આંખો ઉપરની તેમની અંધારીઓ ખોલી ત્યારે આંખો ઉઘાડી હાથીઓ ચોમેર જોવા લાગ્યા. ચરખી આદિ આતશબાજીવાળાઓ તથા ભાલા-બરદારો ચોગરદમ તેમને ઘેરીને હળવે હળવે ચલાવવા લાગ્યાં.”1[૧]

એ હાથીઓની નિસરણીઓ પટકીને જામ સતાજી તેમ જ તેમના રક્ષકોએ સવારી કરી.

રાજગઢની સામે ફોજ થંભેલી છે, અને હાથીના ટોકરા બજે છે. આખે શરીરે ગણેશ-શા આલેખેલા ગજરાજ ગઢમાંથી બહાર નીકળે છે કે તરત હર્ષના લલકાર ઊઠે છે.

“જામ બાપુની જે ! જે ! જે મા આશાપરા !”

સફેદ વસ્ત્રોમાં શોભતા સિત્તેર વર્ષના સતાજીને દૂધના ફીણ જેવી દાઢી હતી. કાનમાં સોનાની મોટી કડીઓ ઝૂલતી હતી. જામ આટલી ઉંમરે પણ રૂપાળા લાગ્યા. શ્યામ હાથી, તે ઉપર પીળી હેમઅંબાડી ને તેની અંદર શ્વેતરંગી રાજાની વિજયશ્રી અપ્રતિમ હતી. જે ફોજને મોખરે રાજા ચાલે, તેના પગ મોળા પડે નહિ. નગરને પાદરથી નીકળેલી ફોજ એક ગાઉ દૂર ગઈ તોપણ સવારીના ધમધમાટ નીચે ધરતી થરકથરક થતી મટી નહોતી.

ફોજની વિદાય થઈ ચૂક્યા પછી શહેરની મોરચાબંદી શહેરમાં એકાકી રહેલા કુંવર અજોજી કરી રહ્યા હતા. નગર અને મુઝફ્ફર, બે વાનાં કુંવરને સોંપાયાં હતાં. મુગલો સાથેના મહાવિજયના યશભાગી થવાનો મોહ કુંવરને ગળેથી માંડમાંડ છૂટ્યો હતો. દિલ તો હજુય ફોજની પાછળ દોડતું હતું. પણ વજીરે જ કરેલું ફરમાન હતું : ‘નગર છોડશો


  1. 1. ‘વીભાવિલાસ’નું ચારણી વર્ણન.