પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
210
સમરાંગણ
 

 નહિ. મુઝફ્ફરને રેઢા મૂકશો નહિ.’ મુઝફ્ફરશાહ અને જેસો વજીર તે દિન પ્રભાતે જ પહેલી વાર મળ્યા હતા, પણ એ મિલન સુખભર્યું નહોતું. રણઘેલુડો મુઝફ્ફર આટલાં કટકને જોયા પછી કેમ રહી શકે ? આ બધા મારે માટે કપાઈ મરવા જાય છે, ને હું પોતે જ આંહીં બેઠો રહીશ ? મને જવા દો, મને એક અશ્વ, આપો, એક જ ઘોડો અને એક જ સમશેર !”

“સુલતાન મુઝફ્ફરશાહ !” વજીરે સંભળાવી દીધેલું : “એ નહિ બને. તમે અમારા કબજામાં છો. બેઠા રહો.”

ને બીજા કોઈની તાકાત મુઝફ્ફરનું જતન રાખવાની નહોતી, એટલે કુંવરને પણ વજીરનો હુકમ ઉઠાવી લેવો પડ્યો હતો. ફોજને સીમાડા વટાવતાં દેખી મુઝફ્ફર વજીર-મેડીના ઝરૂખા પર કાંડાં કરડતો હતો. “બીબી !” એ કહેતો હતો : “આપણે ખાતર સોરઠી નૌજવાનો મરશે. આપણે ખાતર ! ઓહ !”

કાસદને માર માર્યાનો કેર સાંભળ્યા પછી ગુજરાતના નવા સૂબા ખાન આજમ મિરજા અજીજ કોકતલાશે અંતરમાં બીજા કોઈ વિચારને જગ્યા ન આપી. મારમાર વેગે એણે સીધું મોરબી સાંધ્યું. ને મોરબીથી ઊપડેલી એની ફોજે ધ્રોળથી આઠ જ ગાઉને અંતરે પડાવ નાખ્યો, તે વેળા જામની ફોજ હડિયાણાની ઊંચેરી ધરતી પર પોતાનો મુકામ નાખી દીધો હતો.

ખાસ આગ્રા ફતેપુરથી તેડાવી લીધેલા ચુનંદા જંગબહાદુરો થકી શોભતી મુગલ ફોજનો પડાવ ધરતીના નીચાણમાં હતો અને ચોમાસું બેસી ગયું હતું. ચોમાસાના વરસાદે એ નીચાણવી ધરતીની પોચી માટીમાં ભયાનક રાબડ મચાવી મૂકી. મુગલોના હાથી-ઘોડાઓને મચ્છરોના થરથર ચટકા ભરવા લાગ્યા. ડેરા-તંબૂ ઉઠાવીને આગળ તો ડગલું દઈ શકાય તેમ નહોતું. દિવસ-રાત વરસતી અનરાધાર વૃષ્ટિએ એકબીજા તંબૂઓ વચ્ચેનો પણ વ્યવહાર તોડી નાખ્યો. એક રાત, બે રાત, રાત પર રાત ચાલી. અનાજ ખૂટવાની તૈયારી હતી. એક રૂપિયાનું એક રતલ