પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમરાંગણને માર્ગે
211
 

 અનાજ પણ ક્યાંય મળતું નહોતું. માર્ગો બંધ થયા હતા. શહેરો દૂર રહ્યાં હતાં. વરસાદે ગામડાંને આ મુગલ ફોજથી રક્ષણ આપ્યું હતું. તંબૂમાં થઈને પાણી વહેવા લાગ્યાં, તોપો ખૂતી ગઈ. સૂબા કોકતલાશે પાદશાહી ફોજી આગેવાનોની સલાહ પૂછી. ઠાકોરના ઉપરીએ ખબર દીધા કે આપણું અનાજ ખૂટવાની તૈયારી છે, વાદળાં વીખરાવાની વાટ જોશું તો ભૂખે મરી જશું. ને શત્રુ તો પોતાના મુલકમાં સલામત બેઠો. છે. હવે આંહીં ઠેરી ન શકાય.”

પાછા જવું ? આગળ વધવું ? શું કરવું ? મોગલોની મતિ મૂંઝાઈ હતી. તે ટાણે એક બારીગરે આવીને જાણ કરી કે બે જણા મળવા માગે છે.

આવનારા બન્નેએ ખાન કોકા સાથે ગુપ્ત મંત્રણા કરી. કોકાનું મોં પ્રફુલ્લિત બન્યું. એણે કાંઈક રુક્કો લખીને પોતાની સહી કરી આ બન્નેના હાથમાં મૂક્યો. એ લઈને બે જણા અંધકારમાં બહાર નીકળીને હડિયાણા તરફ ચાલ્યા ગયા. એ હતા લોમા ખુમાણ ને દૌલતખાન.

“જંગે મયદાન જ મુબારક હો,” કહીને કોકતલાશે વરસતા વરસાદમાં પડાવ ઉઠાવ્યા. શત્રુને એના ગામડાની બહાર કાઢવાનો એક જ માર્ગ રહ્યો. કૂચ કરો એના પાયતખ્ત પર ! શ્રાવણ વદ છઠની બપોરે મુગલો પહોંચ્યા. ત્યાં તો નગર તરફનો તેમનો માર્ગ રૂંધીને ઊંચી ધાર પર ઊભેલી પચરંગી સોરઠી સેના દેખી કોકતલાશ થીજી ગયો. પોતાની ફોજના કરતાં બેવડું-ચારગણું પ્રચંડ દળકટકક : તોપો : દારૂગોળાળા : હાથી-ઘોડા : શત્રુઓ પાસે તો શાની કમીના હતી ? હવે ડર ખાઈને થોભાય નહિ. થોભ્યા કે સોરઠિયા ત્રાટક્યા સમજો. શ્રાવણ વદ છઠની રાતે મુગલ પડાવમાં આ બધી મસલતો ચાલતી હતી. મેઘધારા બંધ પડી પણ ધરતી જરીકે સુકાણી નહોતી. શત્રુઓને જોયા પછી થોભવું ભયાનક છે. “મુબારક હો ત્યારે જંગે મયદાન !” એમ બોલીને શ્રાવણ વદ સપ્તમી ને બુધવારે ફાતીહા (કુરાનનું પહેલું પ્રકરણ) પઢીને હલ્લો કરવાની ગાંઠ બંધાઈ.