પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
212
સમરાંગણ
 

 હડિયાણામાં તો જામની ફોજને વધાવવા માટે બાર હજારની ફોજ લઈ દૌલતખાન ગોરી જૂનાગઢથી આવી પહોંચ્યો હતો, બાર હજાર કાઠીઓ લઈને ખેરડીથી લોમો ખુમાણ પણ ક્યારનો હાજર થયો હતો. પાંચ હજારની ઉદયનાથ નામના અંજારના પીર સહિત ભુજની ફોજ ઊતરી ચૂકી હતી. રા’ ભારોજી નહોતા આવી શક્યા.

સતા જામ રાજી થયા : ખુમાણ અને ખાન ખરા નેકીદાર ! આપણી પહેલાં આવીને હાજર ઊભા છે !

મંગળવારની અંધારી રાતે જામના પડાવમાં પણ આવતા પ્રભાતની યુદ્ધરચના ચાલતી હતી. લોમા ખુમાણ અને દૌલતખાન જિકર કરતા હતા કે “બાપુ, હરોળમાં [મોખરે] તો અમારું જ સ્થાન હોય. પહેલો ભોગ અમારો ચડે.”

“નહિ, તમે તો સખીઆત કહેવાઓ. તમને અમારે જતનથી રાખવા જોઈએ. તમે રહો ચંદેલીમાં [પાછળ].”

“અમે સખીઆત નથી, અમે તો છીએ જામના ચાકર. અમારો એ દાવો છે. પગે પડીએ છીએ. અમને અપમાન ન આપો.”

“નહિ રે નહિ, બાપુ, એવો ગઝબ ન હોય.” આટલું બોલનાર વજીરને અટકાવી દઈને લોમા ખુમાણે જામને પગે હાથ નાખ્યો.

“તો પછી તે દિવસે અમને જામના ચાકરો શા માટે બનાવેલા ? અમને અમારી ઇજ્જત શું વજીરના કરતાં ઓછી વહાલી છે ? બોલો બાપુ, અમને જીવવામાં તો ઠીક પણ મરવામાં ય ઊજળું મોં નહિ કરી લેવા દ્યો ?”

જેસા વજીર, દલ ભાણજી, ડાયો લાડક, તમામ સરદારો એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈથી ઉઘાડું કાંઈ બોલી શકાય તેમ નહોતું. લોમા ખુમાણ અને દૌલતખાન પોતાની ફોજને યુદ્ધમાં મોખરે રાખવાનો હક્ક જીતી ગયા.

કશો દગો રચાયો છે એ તો કોઈને જાણે કે શંકા જ નહોતી, પણ હરોળમાં રહેનારની જે વજ્રની છાતી હોય તેવી છાતી લોમા કે