પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમરાંગણને માર્ગે
215
 

 તમારે જમણે પડખે ખૂણામાં.”

વજીરે એ દિશામાં નજર નાખી. બીજી એક બાઈ બેઠી હતી. ઓઢણું ખભે પડ્યું હતું. ને હાથ જાણે કંઈક તાણતા હોય તે રીતે ઝૂલતા હતા. એવું ઝૂલણ કાં તો મહી ઘુમાવતા હાથનું હોય, અગર તો સરાણ તાણતા હાથનું હોય. ઘડીક હાથ ઝૂલતા હતા, ને ઘડીક પાછી એ બેય હાથમાં કશુંક ઝાલીને ઝીણી નજરે જોતી હોય તેમ ચાળા કરતી હતી. બોલતી હતી : ‘રણથળ ! રણથળ ! નાગડો બાવો ! બાવા ! બાવા ! બાવા ! ભાઈ મારો વીર મારો, માડીજાયો રૂડો લાગે છે ! કેવો રૂડો લાગે છે મરતો મરતો !’ અને પછી ઝીણું ઝીણું ગાતી હતી :

કાટેલી તેગને રે
ભરોસે હું તો ભવ હારી.

ને છેલ્લે બોલતી હતી : “હેઠ્ય ! ફટ છે તને દગલબાજ ! ફોશી ! ભાગ્યો ! ધોળાંને ભૂંડાં લગાડ્યાં !”

દૃશ્ય દેખીને જેસા વજીર પૃથ્વીને ચોંટી ગયા જેવા લાગ્યા. એને વર્ષો પૂર્વે નાગનીમાં દીઠેલી સરાણિયણનું સ્મરણ થયું. બાજુબંધ નહોતા છતાં ઝૂલતા લાગ્યા, બાકી તો જેને જોઈ હતી તેનું પ્રેત જ દેખાયું. બોલી ન શક્યા. ખબર હતી કે જામ સતાજીએ ડાકણ ગણી નાગનાથના બાવાને ભળાવી હતી. એના બાપને અને વરને ‘ડેલા’માં જામે ગારદ કરી લીધા હતા.

આ આખા કિસ્સાનો ભેદ ન સમજનાર જોગીરાજે મૂંગા બની રહેલા વજીરને ફક્ત આટલું જ કહ્યું : “પગલી લાગે છે. જમાત ભેગી જ્યારથી રાખી છે. ત્યારથી કોઈ કોઈ વાર આવી અર્થહીન ચેષ્ટા કર્યા કરે છે.”

“અર્થ તો એનો ઊંડો છે, મહારાજ !” વૃદ્ધાએ વચ્ચે કહ્યું.

“મને પણ એવું લાગ્યું જ છે, મેરી મૈયા !” જોગીરાજે ઊંડાણમાંથી ઉચ્ચાર્યું : “પેલા બાવા પાસેથી તમે એને બચાવતાં હતાં તે દિવસ, અને તમે એ બાવાની કાન-કડી તોડી નાખી ને અમે એને સમાત દીધી, તે