પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
220
સમરાંગણ
 

 “અરે, જન્નતમાં તો મળીશું ! ત્યાં તો અકબરની ફોજો નથી ને ?” ને એ રવાના થતી ઘોડવેલમાંથી એક બાળક મુઝફ્ફરના હાથમાં ઊભોઊભો હાથ ઉછાળી રહ્યો હતો : મુઝફ્ફર એના વતી કહેતો હતો : “મામુને સલામ ! મામુજાનને સલામ !”

મહેમાનોને વળાવ્યા પછી ફક્ત બખ્તર પહેરવામાં, માથે ઝળપવાળો ટોપ મૂકવામાં, હથિયાર સજવામાં ને ઘોડા પર જીન માંડવામાં જેટલી વેળા લાગે તેથી વિશેષ ન લાગી, ને અજોજી પોતાના અઢીસો અસવારે બહાર નીકળ્યા. પાછળનાઓને શહેરની બનતી સર્વ સંભાળ રાખવાની ભલામણ કરી પોતે ધ્રોળને કેડે પડ્યા. પિતાને પણ મોઢે ન થયા. રસ્તે એને એક જ વિચાર આવતો હતો : ‘માનવી કેટલો પામર છે ! પહાડના ટૂક સમાં પુરુષમાંથી રામ ગયે બાકી શું રહે છે ? મુરદું ! હા ! હા ! પિતા બિચારા ! લલાટે લખ્યાં મીનમેખ ન થયાં આખરે.’ એને સ્મરણ થયું : એક દિવસ સરાણિયણ બાઈ ગાતી હતી :

કાટેલી તેગને રે,
ભરોસે હું તો ભવ હારી...

કરવતરૂપે માથા પર ફરતા વાદળિયા તડકામાં જામની પાછલી ફોજે નગરને માર્ગેથી નેજો પાછો ફરકતો આવતો દીઠો. ભૂચર મોરીના મેદાનમાં તે વખતે પડકારા, કિકિયારા, ભલકારા ને દેકારા ઊઠતા હતા. ધુંવાધાર જંબૂરા, કોકબાણ અને તોપો ચાલતાં હતાં. હાથી ને ઘોડા પટકાતા હતા. ધૂંવાના ધુમ્મસને ભેદીને અંદર પેસતો કુંવર શું ભાળતો હતો ?

એક પણ પીઠ ફરતી નહોતી. એક પણ ઘોડો ભાગતો નહોતો. હજારો જોદ્ધાઓની જાણે વાટ્યો વણાઈ ગઈ હતી. શિસ્ત ક્યાંક તૂટતી નહોતી. પગ પાછા હટતા નહોતા. લલકાર કરતો એકેએક નર આગળ કદમ માંડતો હતો.

ભૂચર મોરી ! ઓ રમ્ય ભૂચર મોરી !

“ઓ રિયા ભાણજી દલ – ઓ લડે ડાયા લાડક – ઓ આગળ