પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનું પેટ
235
 

 પરની પોતાની કાળી કૂચ, વાંસવાડાનાં જંગલોએ પૂરાં પાડેલ માનવીઓ, સારુંય તકદીર નાટક ફરીફરી નજરે તરવર્યું. જાણે કે કોઈક સાધુ એની પેટીમાંના કાચ દ્વારા અંદરની તસ્વીરો ફેરવતો ફેરવતો દેખાડી રહ્યો હતો. અને બોલતો હતો: ‘ખેલ તમાશા દેખો ! ખેલ તમાશા દેખો !'

એ તમાશાની ચિત્રમાલાને વેરવિખેર કરતો રાવ ભારાજીનો બોલ પડ્યોઃ “ફરી વાર ફોજની જમાવટ કરશું, સુલતાન ! ફરી એકવાર આપણું મેદાન સર કરશું. તમે વિચાર કરો, બધો આધાર તમારી પાસે કેટલી મતા છે તેની ઉપર છે.”

“મતા ! રાવ સાહેબ ! મતા તો હવે ક્યાંથી હોય?”

“અરે શી વાત કરો છો, નાખી દીધા જેવી !”

“સાચું કહું છું. હતી તે બધી લોમાભાઈને ઘેર રહી.”

“તોપણ જર-જવાહિરાતો હશે ના?”

"કંઈ ન મળે.”

“તો કાંઈ વાંધો નહિ. મારું છે તે તમારું જ છે, મુઝફ્ફરશા. તમો નિરાંતવા રેજો. કચ્છને માનું પેટ સમજજો.”

“બીબી અને બચ્ચે ખુશીમાં છે?”

"હિલોળા કરે છે. નિરાંતવા રે'જો. હું જઈશ હવે.”

પાછા ચાલી નીકળેલા રા’ ભારાજીનું હૃદય એને ડંખ દેવા લાગ્યું. અરે જીવ ! આવે ટાણે નાણાંની વાત કાઢી? તારી અંદર કોઈક ચોર, કોઈક કળજુગનો વાસો કાં થવા દેછ? લોમો ને દૌલતખાન ખૂટ્યા, સતો જામ રણસંગ્રામમાંથી ભાગી નીકળ્યો, ને તુંય કાં ચીંથરાં ફાડવા લાગ્યો? અજો જામ, જેસો વજીર ને સંગ્રામ વાઘેર જેવા જેને માટે ખપી ગયા તે સ્વધર્મ શું તારો પણ નથી? તું ક્ષત્રિય નથી? જદુવંશી નથી?

જીવ અંદર બેઠોબેઠો અકળાતો હતો. જવાબ તો હૃદયને ન આપી, શક્યો, પણ. હિસાબ મૂકવા લાગ્યો. અજાજીએ, જેસો વજીરે ને સંગ્રામે શું મેળવ્યું? લોમો ને દોલતો શું હારી બેઠા? મેં મારે ઘેર મુઝફ્ફરાને સંઘરવાનો કોલ આપેલ તે વખત જુદો હતો. આજની વેળા છેક જુદી છે.