લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસો વજીર
11
 

 “ક્યાંથી આવો છો ?”

“મચ્છુકાંઠેથી.”

“કોના તરફથી આવો છો ?”

“દેદા રાજાએ જામને આ પોઠિયા મોકલ્યા છે.”

“મોકલ્યા ને ? રંગ, દેદા રાજા ! ન મોકલે એ તો કેમ બને ? જુઓ, જેસા વજીર ! તમે ના પાડતા’તા, પણ મા આશાપુરાનો તાપ દેદાઓથી ન ઝિલાયો.”

“મને તો ખાતરી નથી થતી.” જેસા વજીરે માથું હલાવ્યું. “એલા ભાઈઓ ! આ પોઠ્યુંમાં કયો દાણો છે ?”

“ધરતીનો દાણો છે.”

“એ તો અમે ય જાણીએ છીએ. આભના દાણા નથી ઊતરતા. પણ કયું અનાજ છે ? – ઘઉં, બાજરી, ધૂળ, રાખ...”

જેસા વજીરે પોતાની પાસેનો ભાલો મારી એક પોઠ્યમાં કાણું પાડ્યું. અંદરથી ઝરતા કણને હાથમાં ઝીલીને જોયું, ને દરબાર તરફ કરી કહ્યું : “લ્યો બાપુ, આ દેદાએ મોકલેલ છે.”

“રાળેલ અનાજ ? ના, આ તો ધૂડ ! દેદાઓની પાસે દાણા મગાવ્યા, દેદાઓએ ધૂડ મોકલી !” સતા જામે હાથમાંથી ચપટી નીચે વેરવા માંડી. ત્યાં તો જેસા વજીરે એનો હાથ ઝાલ્યો ને કહ્યું : “હાં, હાં, રે’વા દ્યો, બાપુ ! દેદાઓ આપણને ઘેર બેઠે એની ધરતી મોકલી આપે છે. મા આશાપુરાની મહેર થઈ ગઈ. એલા ભાઈઓ ! હાંકો પોઠિયા મા આશાપરાના થાનકમાં. ત્યાં પથરાવશું. ને આ જુવાનોને પાઘડીઓ બંધાવશું.”

બજારમાં ઊભેઊભે જામનગરના દોશીડાઓની હાટડીઓમાંથી પાઘડીઓ કઢાવીને જેસા વજીરે સાથે લીધી. નગરનાં તોરણ હજુ પંદર-વીસ વર્ષોથી જ બાંધ્યાં છતાં બહોળા હાટબજારની જમાવટ ત્યાં થઈ ચૂકી હતી. રાવળ જામ છેક કચ્છમાંથી શાહ-સોદાગરો ને કસબી-કારીગરોને તેડતા આવ્યા હતા. ઊભી બજારે રંગરેજોની હાટ