પૃષ્ઠ:Samarangan.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
236
સમચંગણ
 

 મારું કચ્છ, વાટકડીનું શિરામણ, મુગલોની સામે શું કરી શકશે? પતો લાગ્યો નથી ત્યાં સુધી તો ઠીક છે, પણ મારે માથે તગાદો થાય તો હું શું કરી શકીશ? મેં કાંઈ એવું તે થોડું જ માનેલું કોલ આપતી વખતે કે હું પ્રાણ દઈને ય પારકા ચોરની રક્ષા કરીશ? એ પણ ઠીક, પરંતુ પ્રાણ દીધ્યે આ થોડો બચી જવાનો? ને મારો વાલો તો પણ કેવો ! જર-ઝવેરાત બાબત પેટ જ ન આપ્યું. મને શું ગીગલો સમજતો હશે? સુલતાન જેવો સુલતાન થઈને શું માયા-મતા લીધા વિના નીકળ્યો હશે? જામ શું મતનો એને સંઘરવા તૈયાર થયો હશે ? અરે રામ ! માણસોનાં પેટ આખરની ઘડી સુધી પણ કેવાં મેલાં રહે છે !

પણ એક દિવસ ફરી વાર રા' ભારોજી ગુફાએ આવ્યા. એ માયાવી દોલતની વાત નીકળી ત્યારે મુઝફ્ફરશાહે હાથ જોડીને કહ્યું: "રાવ રાજા, આથી તો બહેતર છે કે તમે મને બંદૂકે દઈ દ્યો. મારાથી એ વાત સહેવાતી નથી.”

તે દિવસથી આ ડુંગરાઓમાં રા' ભારાનો અવરજવર ઓછો થયો અને થોડે દિવસે બિલકુલ બંધ થયો.

એમ કરતાં એક દિવસ પહાડોના કઠિયારાઓની ગુપ્ત વાતો મુઝફ્ફરને કાને પહોંચી કે નગરને માર્ગેથી કોઈ મુગલાઈ મહેમાનો ભુજમાં આવેલ છે. મુઝફ્ફરને રા’ ભારા તરફથી પણ ચેતવણી મળી. કે હાલનું રહેઠાણ મેલીને વધુ વંકા રહેઠાણમાં ચાલ્યા જાવ.

મુઝફ્ફર વધુ ઊંડાણમાં ઊતર્યો. ચાલ્યો જાય છે. ચાલ્યો જ જાય છે. એક દિવસે બપોરે એને ઘોડાની લાદની ગંધ આવવા લાગી. રાવના રક્ષકો પણ એનાથી અળગા થઈ ગયા. પોતે એકલો હતો. એકાકી એ ઊંડો ને ઊંડો ચાલ્યો. પણ ઘોડાની લાદની સોડમ એને છોડતી ન હતી. એ જાણે કે મુઝફ્ફરને ઓળખતી ઓળખતી શોધતી હતી.

આખરે સાંજ પડી હતી. ઊંડા કોતરમાં એ ભરાઈ બેઠો હતો. એકાદ તેતર બોલતું હતું. બહારથી એણે અવાજ સાંભળ્યો.

"બહાર આવો, મુઝફ્ફરશા, બહાર આવો. બીજું કોઈ નથી. હું