પૃથ્વી સળગી જઈને પાછી ફરી લીલી બને છે ને ! ધરતીના જખ્મોને આટલી ઝડપે રુઝવનાર માલિક ! કોણ કહે છે કે તું રહીમ નથી?
“જરા નમાજ પડી લઉં, જમાદાર સા’બ !” એણે પહેરેગીરની પરવાનગી માગી.
“જી.” જમાદાર પોતાના કેદીની સલૂકાઈ પર, એના મૃદુ મિષ્ટ બોલ પર ફિદા હતો. એણે મુઝ્ફ્ફરને રજા આપી. મુઝફ્ફર થોડે દૂર જઈને ખાડામાં બેઠો. ચાંદની હતી. કેદી દેખાતો હતો. વચ્ચેવચ્ચે એના શબ્દો સંભળાતા હતા: “રહીમ ! રહીમ ! ઓ. ખુદા ! તું કેવો રહીમ છે !”
કેમ બહુ વાર લાગી? હજુ કેમ ઊઠતો નથી? શું કરતો હશે બેવકૂફ !
પહેરેગીર બેઠેલા મુઝફ્ફર તરફ ગયો. એણે હાક મારી. સામો ખોંખારો પણ ન મળ્યો. એને ફાળ પડી. એ પાસે ગયો. એણે ભયંકર દૃશ્ય દીઠું.
મુઝફ્ફર નમાજમાં ઝૂક્યો હોય તે રીતે પૃથ્વી પર બેઉ હાથ ટેકવીને અને મસ્તક ધરતીને ખોળે રાખીને પડ્યો હતો. એના ગળાનો હરડિયો કપાયેલો હતો. લોહીઆળ એક અસ્તરો એની બાજુમાં પડ્યો હતો.
હથિયારહીન કરી નાખેલા રાજકેદીની પાસે છૂપો એ એક જ અસ્તરો હતો – વીસ વર્ષો પર એક સરાણિયણ બહેનનો દીધેલો જેણે આખરની પળે મુઝફ્ફરની ઇજ્જત બચાવી. પ્રભુ રહીમ હતો. ભૂચર મોરીના ટીંબા ઉપર તે વખતે ત્રણ સ્ત્રીઓ બેઠી હતી. ત્રણમાંથી જે એક અબોલ હતી, તે ફરી વાર બોલતી થઈને ગાતી હતી:
કાટેલી તેગને રે
ભરોસે હું તો ભવ હારી
રે હું તો ભવ હારી.
એ ગાનારી એક વારની સરાણિયણ હતી. એક વારની રાજપુત્રી