પૃષ્ઠ:Samarangan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસો વજીર
13
 

 જામની દગલબાજીનો ભોગ બન્યો છે. નગરનું નામ ફરતાં હજી વાર લાગશે, બાપુ. તમે હજુ નાના છો. હું તો ખર્યું પાંદ થઈ જવાનો થોડાં ચોમાસાંમાં. ને હજુ તો દિલ્લીના સુલતાનોનો દવ ગુજરાતને સીમાડે સળગે છે. સોરઠનો ય વારો ઝાઝો દૂર નથી. પાડોશીઓને શત્રુ બનાવીને સાફ કરી નાખ્યે સોરઠની સારાવાટ નથી. એને જૂથમાં બાંધશું તો જ જામનગર જીવશે ને સોહશે.”

“એટલે તો તમારું એમ ધ્યાન પડે છે ને,” સતા જામે દોંગી આંખ કરીને વજીરના બુઢાપા પર મજાક કરતેકરતે કહ્યું : “કે આપણે જદુવંશી જાડેજાઓએ આ મઘરને પેટે જન્મેલા વાંદર-પોતરા જેઠવાને, આ માછલાં મારનારા વાઘેરોને ને આ અનાડી કાઠીઓને આપણા ભાઈબંધો બનાવવા ?”

“વઢિયારના કોળીઓને અને વાળાકના વટલેલા ખસિયાઓને પણ.” જેસા વજીરે સતા જામને અણગમતાં બે નામનો ઉમેરો કર્યો. સતા જામનું મોં કડવું ઝેર બન્યું.

“નહિ, વજીર,” એણે ચોમેરના સીમાડા દેખાડતી આંગળી ફેરવી. “સોરઠ તો કૃષ્ણના કુળની.”

“માંડળિક પણ કૃષ્ણવંશી હતો, ગંગાજળિયો હતો, કૃષ્ણકુળના અભિમાને એને ક્યાં જાતો નાખ્યો, અન્નદાતા ! જાણો છો ? એણે બીજા બધાથી ઊંચેરો બનવાની ફુલ્ય મારી, એટલે અમદાવાદની મસીદમાં એ વટલ્યો, પોકે પોકે રોયો, ને એના મડદા માથે કબર બંધાણી. મુસલમાનોએ બેગઢાના વખતથી જ સોરઠનું કાચું માંસ ચાખ્યું છે, એટલે હોળો આંહીં આવ્યા વગર રહેવાનો નથી."

“આપણે તો મુઝફ્ફરશા સુલતાનનો જ પક્ષ લેશું, જેસાભાઈ !”

“આપણે સોરઠમાંથી સુલ્તાનીઅતને કાઢવી છે, કે જડબેસલાખ કરવી છે ?”

“આપણે તો જેને ગાડે બેસીએ એનાં ગીત ગાવાં.”

“ના, ના, ગીત તો સોરઠ-કચ્છની એકસંપીનાં ગવાય. હું તો,