લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપે તરછોડેલો
17
 

 “બોલે, રાજા છે, ધણી છે. આપણને પરદેશમાં સાથે લાવેલ છે. પાળક છે આપણા. ને આપણે હોઈએ એવાં કહે એમાં ગુસ્સો શો ?”

“ખમા જોગી !”

“મારે મેણાં નથી સાંભળવાં. પણ હવેથી એ છોકરાને મારી નજર સામે ન લાવતાં એટલું કહી રાખું . મને એ કદીય નથી ગમ્યો, ગમશે પણ નહિ. એ જાણે...”

નાગડાનો હાથ ઝાલીને હળવેહળવે પગલે ચાલી જતી માતા ભરથારના ‘એ જાણે...’ એટલા શબ્દો સાંભળ્યા પછી એકકાન થઈને ઓરડા બહાર આડશ લઈ ઊભી રહી. ને એણે પૂરું વેણ પકડ્યું : “મારા પેટનો જ નહિ !”

વજીરને વાળુ કરાવી, હાથ-મોં વિછળાવી, પંખો ઢાળી નીંદર કરાવ્યા પછી માતા બાળકની પથારી પાસે બેસી રહી. રાત ઝમઝમ કરતી હતી, વિચારો વેગે ચડતા હતા, દિન પૂર્વેના દિન અને માસ પૂર્વેના માસ માતાની યાદદાસ્તમાં ઊઘડ્યે જતા હતા. એ ધણીનો નહિ, તો પછી કોનો ? કોની મુખમુદ્રા નાગડાના મોં પર આલેખાણી છે ? કહો કહો, હે ભૂતકાળના સ્વામી ! મને વાવડ દ્યો.

ત્રણેક વર્ષ પૂર્વેની એક સાંજ ઉઘાડ પામે છે. નાગડાની જન્મરાત પહેલાંની જ એ સમી સાંજ. એ સાંજે હું ધણીનાં લૂગડાં ધોવા ગઈ હતી. પાણી ભરતેભરતે સીમાડા ગાજેલા સાંભળ્યા હતા. જોગીની જમાત ધૂન બાંધીને આવતી હતી. એક મંડળી ગગનગુંજિત સ્વરે પૂછતી હતી :

કહાં વસૈ ચંદા, કહાં વસૈ સૂર
કહાં વસૈ નાદ વ્યંદ કા મૂલ
કહાં ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી ધરી કૂણ આની?

બીજી જમાત તેનો જવાબ વાળતી હતી :

અરધે વસૈ ચંદા, ઉરધે વસે સૂર
હિરદે વસૈ નાદ વ્યંદ કા મૂલ