પૃષ્ઠ:Samarangan.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂંદાતી ગુજરાત
21
 

 “ખાસ્સી વાત. હવે સુલતાનના સગામાંથી વારસદારની તલાશ કરો. છે કોઈ ?”

“છે એક છોકરો.”

“છોકરો હોય તો બહુ સારી વાત, ક્યાં રહે છે ?”

“અમદાવાદમાં.”

“શું કરે છે ?”

“કબૂતરો પાળે છે.”

“સરસ. લઈ આવો આંહીં. તાજ પહેરાવી દઈએ.”

“કોણ જાય ?”

“રઝી-ઉલ-મુલક ! તમે જાવ, તાજના એ જવાહિર અને શહેનશાહી મુગટના એ અલંકારને આંહીં જલદી લઈ આવો.”

અમદાવાદના એક લત્તામાં, એક વાણિયાની દુકાને બારેક વર્ષનો એક છોકરો ઊભોઊભો રગરગતો હતો: “શેઠ, થોડીક તો બાજરી આપો. પંખી પર દયા કરો. અમારે માટે નથી જોતી, અમારાં કબૂતરો ભૂખ્યાં છે. એની દયાને ખાતર ખેરાત કરો.”

દાણાનો વેપારી એ છોકરાના મેલા સદરાની જળી ગયેલી ખોઈમાં કબૂતરની ચણ્ય ફગાવે છે. બાજરીની ખોઈ વાળીને બાળક ઊભો છે. તે વખતે જ એક ઘોડવેલ ત્યાં આવીને થંભે છે. અમીર એ બાળકને નામઠામ પૂછી ખાતરી કરે છે, ઉઠાવીને ઘોડવેલમાં બેસારે છે, ઘોડવેલ પાછી ફરીને વેગે ચડે છે.

“ક્યાં લઈ જાય છે ? ઓ, આ મારા ખાનને, તું કોણ, ક્યાં લઈ જાય છે ? ઊભો રહે, કોઈ અટકાવો. કોઈ મારા બચ્ચાને બચાવો.”

એવા ધાપોકાર કરતી એક બુઢ્‌ઢીને ઘોડવેલનો સારથિ જવાબ વાળે છે : “એને હું એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કાલે સવારે લોકોના ટોળેટોળાં ખોઈ ધરીને એની પાસેથી ભીખ માગતાં એને દરવાજે ઊભાં રહેશે, ને જ્યાં ગુજરાતના ચમરબંધીઓ એની પાસે દાખલ થવાની રજા માગતા ટળવળતા હશે.”