પૃષ્ઠ:Samarangan.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
સમરાંગણ
 

 બાળકને મહેમદાવાદ લાવ્યા. અમીરોએ ઊઠીને અદબ કરી.

“મંજૂર છે, મંજૂર કરીએ છીએ.” એવી તમામ ઉમરાવોની પરવાનગીનો સુલતાન-તાજ એના મસ્તક પર મુકાયો.

“રાજ તારું છે, પણ ખજાનો અમારો છે,” એવી એની સામે જાહેરાત થઈ ચૂકી. અને એ જ દિવસે મૂએલા સુલતાનના રક્તભીના રંગમહેલની તમામ અસ્કામતો, હાથી, ઘોડા, જવાહિરો અને તંકા નામના જે લાખો સુલતાની સિક્કા હતા તેની અમીરોએ પોતાની વચ્ચે વહેંચણી કરી.

“ખબરદાર, પ્રત્યેક અમીર પહોંચી જાવ પોતપોતાની રિયાસતમાં. લશ્કરને સજ્જ રાખો. દિલ્હીના શાહની ગુજરાત પર ટાંપ છે. સલ્તનતના બીજા દાવાદારો પણ આસમાં-જમીં એક કરતા આવશે. પણ ગુજરાત આપણી છે, અમીરોની છે, લઈ જાઓ આ નાણું, ને રુકાવટ કરો દુશ્મનોની. યાદ રાખજો, સંતુષ્ટ ફોજ જ આપણો બચાવ છે.”

એમ કહેનાર મુખ્ય અમીર સૈયદ મુબારકે પોતાના હિસ્સાની જવાહિર-પેટીઓ તેમ જ તંકા-પેટીઓ ત્યાં ને ત્યાં કુહાડી લઈ તોડી.

“અરે નામવર !” ખજાનચીએ ખબર દીધા : “હજુ એ પેટીઓનો ખજાનો આપને ગણી કરીને સુપરદ કર્યો નથી. કાલે જ અમારો ઉપરી આવીને આપને કબજો દેશે.”

“ફિકર ન કરો. આવતીકાલની મને ખબર નથી. કાલ પર મુલતવી રાખનારો હું બેવકૂફ નથી. આજ અને કાલની વચ્ચે આખી રાત પડેલી છે. આ બુઢ્‌ઢો મુબારક રાતમાં જ જો મોતનો માર્ગ પકડે, તો આ જવાહિર કોણ વહેંચશે ?”

પેટીઓ તોડાવી અને સૈયદ મુબારકે ખજાનો ત્યાં ને ત્યાં પોતાનાં માણસોને વહેંચી નાખ્યો. પોતે નમાજમાં બેઠા.

નવાનગર પર જામ સતાની જે શાસનવેળા, તે જ વેળા ગુજરાતના આ અમીર-શાસનની. સુલતાન, તો હરકોઈ રાજવંશમાંથી ઊંચકી લીધેલો નાનો છોકરો : અને સુલતાનિયત, તો પઠાણી હબસી અથવા સૈયદ ફોજના ધરાવેલા સૈનિકોનું પીઠબળ ટકાવી રાખનાર અમીરોની.