પૃષ્ઠ:Samarangan.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક નહનૂ
25
 


આવાં નાપાક ઓજારો ફેરવવાનું દિલ થાય છે. અચ્છા, રાખ, જા ને પહેરી લે આ નવા લેબાસ.”

બાળક નહનૂએ આગના ભડકા જેવાં વસ્ત્રાભૂષણો પહેરતે પહેરતે જાણે કે દાહ અનુભવ્યો. પોશાક પૂરો પહેરીને એ ઊભો રહ્યો ત્યારે ઇતમાદે દાઢી પર હાથ દઈને હર્ષનો લલકાર કર્યો : “ઇન્શાલ્લા ! દેખો તો ખરા. રંડીનો બચ્ચો, પણ કેવો રૂપાળો ! દેખ છોકરા, મિરાત (દર્પણ)માં નજર કર. તું તારા તકદીરને ન ભૂલ, બદબખ્ત ! ગામની ભાગોળે તું સરાણિયાની છોકરીઓ સાથે મિટ્ટીમાં રગદોળાવા જન્મ્યો છે શું ? ચાલ, તને સુલતાન બનાવું.”

એમ કહી, બાળકનો હાથ પકડી, અમદાવાદના માતબર ઉમરાવ ઇતમાદખાને ભદ્રના સુલતાની રાજમહાલની દિશાએ ઘોડવેલને હંકારી. ૨સ્તામાં એણે ડોળા ફાડીને શિખામણ દીધી : “ખબરદાર નહનૂ, કહીશ ના કોઈને કે તું સરાણિયાની છોકરીઓ જોડે ખેલતો હતો.”

“નહિ બોલું, જનાબ !”

“કાલથી ત્યાં ખેલવા જતો નહિ.”

છોકરાની મોટી આંખો એની મૂંગી મુખમુદ્રા પર બે સોપારીઓ ચોડી હોય તેવી, બીડેલ પોપચે જ સ્થિર બની રહી. ઊંચું એણે જોયું નહિ.

“જતો ના, બેવકૂફ” ફરી અમીરે દમ ભરાવ્યો.

“પણ જનાબ ! કલ તો એની શાદી છે. માટલાં ફૂટવાનાં છે. મને જોવા આવવા ઈજન છે.”

“ચુપ કર, કંગાલ ! તું સુલતાન બનવા જાય છે, સરાણિયો બનવા નહિ.”

ત્યાં તો ભદ્રના ઝાકઝમાળ ઝરૂખાને ઉંબરે બગીના બંકા ઘોડા ઊભા રહ્યા. બારણું ખોલી અમીર ઇતમાદખાન નીચે ઊભો રહ્યો. ઊભીને એણે બાળક નહનૂ સામે ઝૂકી ઝૂકીને, કમર કાટખૂણે કરીને “જહાંપના મેરે ! ખાવંદ મેરે ! ગુજરાત કે માલક ! ખમા તુમકો !” એવા શબ્દે કુરનસો