પૃષ્ઠ:Samarangan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક નહનૂ
27
 

 એના મોંમાં ડાચું ઝાલીઝાલીને રેડાવી હતી. એને કેટલી તકલીફ પડેલી તે મને યાદ છે. એ અભાગણી છોકરીએ ચીસો પાડી હતી. એનું બદન નિચોવાઈ જતું હતું. એના ડોળા ફાટી રહેતા હતા. પણ પૂરા પાંચ મહિનાનું એ ઓધાન પડ્યું નહિ. હું તોબાહ પુકારી ગયો. એને મેં જીવવા દીધી. પૂરે મહિને જ બેટો જન્મ્યો તેને મેં પાળી ચુપચાપ મોટો કર્યો છે. એ પોતે જ આ નહનૂ. ઉગ્રમાં ઉગ્ર મસાલાઓ સામે પણ જેણે માતાના પેટમાં ટક્કર ઝીલી, એ જ આ જોદ્ધાર આપણા સુલતાન. એની મા તો પોતાનાં પાપની પુકારો પાડવા જહન્નમમાં ગઈ છે.”

“ખાસ્સી વાત, ખાંસાહેબ ! શપથ કરો છો ?”

“લાવો કુરાને શરીફ.”

કુરાને શરીફ હાજર થયું. ઈતમાદખાને એના પર પંજો મૂકીને સાચી હકીકતના સોગંદ લીધા.

“મંજૂર ! બસ, મંજૂર !” સર્વ ઉમરાવોએ સુલતાનની ઓલાદનો એકાદ જીવતો માંસ-લોચો મળી જવાના હર્ષમાં મંજૂરી જાહેર કરી.

“તેડી લાવો સુલતાનને, તખ્ત તૈયાર છે.”

બાળક નહનૂને બાજુના જ ખંડમાં બેસારેલો હતો. બારણું ઉઘાડું હતું. ગાદી પર બેઠેલા બાળકે ઇતમાદખાનની વાત સાંભળી હતી. અરધી સમજ્યો હતો, અરધી નહોતો સમજ્યો. સમજ્યો હતો આટલું જ ફક્ત, કે પોતાને જન્મ આપનારી કોઈ એક છોકરીને ઇતમાદખાને તેજાબ પિવરાવેલા, ને એ માતાએ મૃત્યુ વેદનાની ચીસો પાડેલી, વેદનાના પછાડા મારેલા, આંખોના ડોળા ઊંચા ચડાવેલા. એ બયાન ઇતમાદખાન કરતો હતો અને એ બયાનની વચ્ચેવચ્ચે અન્ય અમીરો મશ્કરીના બોલ બોલતા હતા, હસતા હતા, મુસ્કરાતા હતા.

બાર વર્ષનો બાળક પોતાના દિલને પૂછતો હતો કે આ લોકો હસે છે શા માટે ? મારી જન્મદાત્રી આટલું દુઃખ પામેલી, તે શું હસવા જેવું દુઃખ હશે ? કોઈ માણસ તરફડિયાં મારે તો આપણે હસીએ કે નહિ ? હા જ તો. મુરઘીને હલાલ કરે છે તે વેળા એના પછાડા જોઈને હું