નહોતો હસતો વળી ? ઢેઢગરોળીની પૂંછડી કાપ્યા પછી એને ઊડઊડ થતી જોઈ મને કેવી મજા પડે છે ! મારી માએ પણ એવી જ રીતે આ સૌને હસાવ્યા હશે. મા તરફડી હશે, રડી હશે, સૌને મજા પડી હશે.
એ વિચારદોર સમેટીને નહનૂ ખડો થયો. પચીસ અમીરોની ઝૂકતી કુરનસોની કેડીએ કેડીએ એ રત્નજડિત તખ્ત પર બેઠો. ને એના મુબારક નામની ઘોષણા થઈ : “નિગાહ રખો... સુલતાન નહનૂ મુઝફ્ફર ત્રીજા.”
નગારે દાંડી પડી. છત્ર ને ચંદ્રવા ચડ્યા. પણ શરૂઆતમાં રાત્રિઓમાં કાંકરિયાની પાળે અને નરોડાનાં સરાણિયાના પડાવોમાં ભમતો નાનો નહનૂ મશરૂના પલંગો પર નિદ્રા ન પામી શક્યો. ઝબકીઝબકીને એ જાગી ઊઠતો, કે હાય, કશુંક સુંવાળુંસુંવાળું સાપ જેવું મારી હેઠળ સળવળ સળવળ કરી રહ્યું છે, અથવા સેંકડો ખિસકોલીઓ મારા શરીર હેઠળ ચગદાઈ રહી છે.
વળતા દિવસે એણે પોતાના મહેલ ફરતા ચોકીપહેરા નિહાળ્યા. આખો દિવસ લોકોની, અમીરોની, મહાજનોની, શેઠ-સોદાગરોની, તેમ જ લશ્કરોની સલામો ઝીલતાં ઝીલતાં એ થાકી લોથ થઈ ગયો. એવા ત્રણેક દિવસ ગયા. પાણીમાં ડૂબનારો બહાર નીકળવા ટળવળે એમ એ ટળવળ્યો. પણ એ બહાર જવા નીકળે કે તત્કાલ એની સાથે ટોળું ચાલતું થાય. એણે આક્રંદ કરીને કહ્યું : “શા માટે મને સતાવો છો ? મને મારી મુનસફી મુજબ કેમ ફરવા દેતા નથી ?”
ચોથે દિવસે સાંજે એણે પોતાની પાસેના નાના નોકરનાં કપડાં માગી લઈ, પહેરી, ભદ્રની બહાર પલાયન કર્યું. સીધેસીધો નરોડા તરફ નાઠો. એક ખૂણે સરાણ ચાલતી હતી, તણખા ઝરતા હતા, જુવાન સરાણિયો તલવારનાં તેજ તપાસતો તપાસતો ચક્કર ફરતા પથ્થર પર ઘસતો હતો, એના શિર પર મધરાશિયાનો ફેંટો હતો ને ફેંટા સાથે લીલી તૂઈ મૂકેલું છોગું હતું. એના ઝૂલતા કેડિયાની બાંયોના છેડાની ફાડ્યો હાથમાં પોંચા પર ઊંડઊડ થતી હતી.
સામે બેસીને ચૌદ વર્ષની એક તાજી પરણેલી લાગતી કન્યા