નાગનીમાં પ્રચલિત પણ થઈ ચૂક્યો છે. રાજા જેવા રાજાના મોંમાંથી પડેલો એ બોલ, તે દિવસની સંધ્યા-સવારીના અસવારોએ ચલણી કર્યો હતો, ગોલાંગોલીઓએ પરસ્પર વિનોદમાં વાપર્યો હતો, ફૂલ વેચતી માલણને હાટડે લટકતા પીંજરામાંથી પોપટ પણ ટૌકો કરતા હતા. એ જ શબ્દનો : ‘જોરારનો’.
“તારે રોટલો ખાવો છે, નાગડા ?” માએ વાતને રોળીટોળી નાખવા ખાવાનો વિષય કાઢ્યો.
“મા, રોટલો નથી ભાવતો.”
“જે ભાવે તે મગાવી આપું.”
“કાંઈ ભાવતું નથી.”
“કેમ?”
“મને કહોને, માડી, જોરારનો કોને કહેતાં હશે ?“
“તને કેટલા કક્કા આવડ્યા ?” માએ આડી વાત નાખી.
“મને કાંઈ આવડતું નથી. હું ધૂળમાં અક્ષરો ઘૂંટવા બેસું છું કે તરત ‘જોરારનો’ સાંભરે છે, મા ! મને સમજાવો તો ખરાં.”
આડીઅવળી વાતો નાખીને, અથવા કામનું કાંઈક બહાનું કાઢીને મા નાગડા પાસેથી સરી ગઈ. પોતાને મુખેથી ખુલાસો કરતાં પહેલાં એની જીભનાં રુધિરમાંસ ચૂંથાઉં ચૂંથાઉં થવા લાગ્યાં. વાત શું આટલી હદે પહોંચી ગઈ હતી ? છોકરાને મોઢામોઢ મા સામી ગાળ દેવાનું શહેરમાં શરૂ થઈ ચૂક્યું હતું ? એનું રોમરોમ ખદબદી ઊઠ્યું.
“માડી, કહોને મને !”
“આજ નહિ, ભાઈ.”
“ત્યારે કે દિ’ ?”
“મૂછડીએ વળ ઘાલશો તે દિ !”
શૂરવીરતાનો કોઈ મંત્ર હશે શું આ એક જ શબ્દમાં ? મૂછે પોતે વળ ઘાલશે છેક તે દિવસે જે વાત જનની સમજાવવાની છે, તે વાતનું જાદુ નાગડાના બાળ-હૈયામાં ટપકતું થયું. ને તે દિવસથી એણે પ્રભાતે