પૃષ્ઠ:Samarangan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
’કહોને મા !'
35
 


માતાની આરસીમાં, પિતાની તલવારના ચકચકિત પાનામાં અને માની કીકીઓમાં પોતાના મુખનું પ્રતિબિમ્બ નીરખ્યા કર્યું : મૂછડીએ વળ ક્યારે નીકળશે ?

તે પછી નાગડો પોતાનું કુરૂપ છુપાવીને લગભગ બિનસોબતી જ જીવન જીવતો. મા ને દીકરો બે જ મિત્રો હતાં. મિત્રો વચ્ચે મૌનનો સેતુ હતો. પહોરના બપોર સુધી ભેગાં બેઠાં રહે તો ય એકેય બોલ ન બોલે. શબ્દની વાણી સમાતી ગઈ. શબ્દોનું સ્થાન સાનોએ, ઇશારતોએ લીધું. ઈશારતોની ભાષા ગેબમાં રમનારી. અજાણ્યાંઓને એ ડરકામણી છે. પરિચિતોને એ તોછડી છે. વાપરનારને પોતાને ય એ એકલતાના ઊંડા અતલ તળમાં લઈ જનારી છે. જગત એનાથી વેગળું બને છે. ગગન એનો શ્રોતા બને છે. ધરતીનો એ હદપારી છે.

નાગડો વાચાહીન બન્યો, તેની સીધી અસર તેના પોતાના જ કાન પર પડી. સાંભળવાની ક્ષુધા મરી ગઈ. સાધારણ શબ્દો સ્વરોથી વંચિત બનેલા કાન ફાગણ-ચૈત્રના પવન-ફણીધરોના સુસવાટાની, આષાઢ-શ્રાવણના ગગન-કડાકાઓની, ને નાગમતી નદીમાં ઘૂઘવતાં ઘોડાપૂરની રાહ જોતા. પણ રોજિંદો નાદ તો એને સાયંકાળના સો સો ઠાકરદુવારોની ઝાલરોના ઝંકારનો જ ખેંચી રહ્યો. ફાળ ખાતી માતાની ચોકીમાંથી સરી જઈને નાગડો નદીતીરના આઘેરા શિવાલયમાં નાસી જતો અને એક ખૂણે ઊભો રહીને ઝાલર બજાવતો. એક દિવસ એની નાસભાગનો ગાળો લંબાયો. માએ ફાળ ખાધી. પણ પાછો જડતાં ફિકર ટળી. બીજે દિવસ નાગડો વધુ ગેરહાજર રહ્યો. પણ પાછો મળતાં માને ટેવ પડી ગઈ. પછી એક દિવસ એનું પલાયન કાયમી બન્યું. વજીર પિતાને હૈયે છુટકારો વસ્યો, ને માએ પણ રોજની મેંણીઆત હાલતને હળવી થયેલી નિહાળી એકાદ વર્ષે આંખોમાં આંસુ સમાવ્યાં.