પૃષ્ઠ:Samarangan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજો જામ
37
 


ત્યારે બે આંસુભરી આંખો એની નજરે આવતી.

એવો ભાઈબંધ ગાયબ બન્યા પછી અજાને થતું કે આ બોકડાગાડી હાંકતોહાંકતો એકલ પંડે આખા સંસારમાં ભ્રમણ કરું, ભાઈબંધની ભાળ લઉં, બેય જણા બોકડાગાડીમાં બેસીને દિલ્હીના પાદશાહ પાસે પહોંચશું, ચાકરી માગશું, સાવઝ મારીને શેરબહાદરો બનશે, પાદશાહ અમને શિરોહીની સમશેરોએ સોહતા કમરબંધો બંધાવશે.

દિલ્હીના પાદશાહ પાસે પહોંચવાની બાળકુંવર અજાની ધૂન હમણાં હમણાં વધુ તીવ્ર બની હતી. તેના બે કારણો હતાં. બાપુ સતો જામ અમદાવાદના સુલતાનના ભક્ત બન્યા હતા. બાપુ તાજા જ અમદાવાદ જઈ આવ્યા. બાપુ આવ્યા ત્યારે વસ્તીએ એમનું ધામધૂમથી સ્વાગત કર્યું. એ સ્વાગતમાં બાળક અજાનો જીવ નહોતો ઠર્યો. કોણ જાણે કેમ પણ બાપુ પ્રત્યે એને ધિક્કાર પેદા થયો હતો. બાપુ સુલતાનને રીઝવીને શું લઈ આવ્યા હતા ? જામશાહી સિક્કો પાડવાની સનંદ લાવ્યા હતા. પણ બાપુ એ સનંદ નામોશી વહોરીને લાવ્યા હતા ને ! કચેરી ભરાઈ ત્યારે બાપનાં બબે મોઢે વખાણ થતાં હતાં : ઓહો, શી ચાતુરી. વાપરીને બાપુએ ગુજરાતના સુલતાનને રીઝવ્યો હતો ! કાંઈ જ નજરાણો નહોતો લઈ ગયા. એક ખૂમચા ઉપર રૂમાલ ઢાંકીને સુલતાન મુઝફ્ફરશાહના તખ્ત સામે બાપુએ ભેટ કરી. કમ્મરના મકોડા ભાંગીને બાપુએ સુલતાન સામે કાયા નમાવી. સુલતાને પૂછ્યું, “ક્યા લાયે હો, સતા જામ !” બાપુએ રૂમાલ ઉઘાડીને ખૂમચો ખોલ્યો. ખાલી ખૂમચામાં ફક્ત બે સિક્કા પડ્યા હતા. એક હતો મોટો સિક્કોઃ એનું નામ ‘એહમદી’ રૂપિયો : ને બાજુમાં હતું એક નાનકડું રૂપાનાણું.

સુલતાન મુઝફ્ફરે પૂછ્યું: “ઇસકા માયના ક્યા હૈ, સતા જામ !”

ત્યારે બાપુએ જવાબ દીધો : “ખુદાવંદ સુલતાન, આ આપનો સુલતાની રૂપિયો ને આ મારી જામની પાવલી : હું એ મારી પાવલીને સુલતાનના સિક્કા સાથે પરણાવું છું. જે રીતે અમારા વડવા જાડેજાઓ