માણસોએ આવીને ખબર દીધા કે, “એ તો, બાપુ, દલ્લીના બાવાની જમાત હીંગળાજની જાત્રાએ જાય છે. તેમનાં નગારાં વગડતાં હતાં.”
કાકા જામ જસાજીએ હસીને કહ્યું કે “તો ભલે વગાડતા, બાવાઓ નગારાં બજાવે તેનો કોઈ વાંધો નહિ. એ તો ભીખનાં નગારાં કહેવાય. એ બચાડાઓ ભલે બજાવતા.” ત્યારે ભાણેજ ઝાલા રાયસંગે પૂછ્યું, "હેં મામા? બીજો કોઈ નગારાં બજાવે તો ?”
“મારા ધ્રોળને પાદર ?”
“હા.”
“તો તો નગારાં ફોડી જ નાખીએં ના, બાપ !”
ભાણેજે કહ્યું: “તો તો, મામા, ફોડવા તૈયાર રે’જો. હું આવું છું નગારાં બજાવવાં.”
“આવજે, ભાણા !”
રાયસંગ રાણો હળવદ પાછો ગયો. ફોજ લીધી. ધ્રોળને પાદર આવ્યો. નગારાં પર ડાંડી રડી. મામા-ભાણેજની ફોજો આફળી. ભાણેજે મામા જસા જામને ઠાર માર્યો, મરતે મરતે આ વેરનો હિસાબ લેવા મામાએ પોતાના પિત્રાઈ કચ્છના રાવને સંદેશો મોકલ્યો. ચારણને સંદેશે કચ્છના રાવ સાહેબજી જાડેજા સોરઠમાં ઊતર્યા; રાયસંગ અને સાહેબજી આફળતા-આફળતા મેદાને સૂતા, સાહેબજી રામશરણ થયા. રાયસંગજીના જખ્મી દેહમાં જીવ બાકી હતો. ઘોર અંધારા એ રણમેદાનને માથે એકાએક એ જ રાતે મશાલોનાં અજવાળાં પથરાયાં. ‘આદેશ ! આદેશ !’નાં સ્તોત્રો એ હત્યાકાંડના હાહાકાર-સ્વરો પર છંટાયાં. સમળીઓ, શિયાળવાં અને ગીધડાંનાં જૂથ ભાગવા લાગ્યાં. એ હતી જોગી મકનભારથીની જમાત, હીંગળાજ પરસીને છ મહિને પાછી જતી હતી. તેણે જોદ્ધાઓનાં શબો વચ્ચે ઘૂમીઘૂમી ગોત આદરી, કોઈ જીવતો ? કોઈ કરતાં કોઈનું કલેજું ધબકે છે હજી ? અને હાથ આવ્યો – પૂરો પંચહથ્થો રાજરાણો રાયસંગજી : જીવ હજુ નાડ્યે હતો. જોગીઓએ એના