લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
સમરાંગણ
 

 ખાનગીમાં એ સુલતાનને ‘કમબખ્ત’ કહી સંબોધતો, જાહેરમાં કહેતો ‘જહાંપનાહ, ગરીબનવાજ, ખુદાવંદ’.

પાંચમાં વર્ષના એક વહેલા પરોઢિયે નહનૂ મુઝફ્ફર ગહરી નીંદમાં હતો. ઇતમાદખાને બાજુના ખંડમાં આખી રાત જાગરણ માંડ્યું હતું. એ ચુપકીદી ભયાનક હતી. કેમ કે માણસો શબ્દ બોલવાને બદલે ઇશારતોથી અને ગુસપુસ અવાજથી વાર્તાલાપ કરતાં હતાં. બુલંદ ગુસ્સાની ત્રાડો કે યુદ્ધના રક્તપિપાસુ લલકારો કરતાં ય એક વાણી વધુ ભયાનક છે. જીવલેણ જનાવરોની ભૂખી ત્રાડો એની પાસે ફિક્કી પડે છે : એ વાણી છે માનવીની ઇશારતોની બનેલી.

મશાલો આવતી ને જતી હતી. અશરફીઓના થેલાઓ બહાર નીકળતા હતા. ઈતમાદખાં પોશાક પહેરીને તે પર અસ્ત્રશસ્ત્રો સજતો હતો.

સજી રહ્યો. બાળ સુલતાનના ખંડમાં આવ્યો. સખ્ત હાથની ભીંસ દઈને એને ઢંઢોળ્યો. “અમ્મા !” બોલતો નહનૂ મુઝફ્ફર ઝબકી ઊઠ્યો. ઇતમાદે એના મોં સામે ચુપકીદીની નાક-ઇશારત કરી અરધા પોશાકભેર જ બહાર ઉઠાવ્યો. ઘોડા તૈયાર હતા. એક ઘોડા પર સુલતાનને ચડાવી, પોતે પણ ઘોડેસવાર થયો. બહાર નીકળતાં તો પચીસેક ફોજી સવારો એને વીંટળાઈ વળ્યા. ઘોડા મારી મૂક્યા. આખી વાટમાં ઇતમાદે નહનૂને કશી બાતમી આપી નહિ. એટલું જ કહ્યું : “તારો જાન જોખમમાં છે. જીવવું હોય તો જલદી ઘોડો હંકાર.”

ઘણે દૂર નીકળી ગયા પછી જ એને એનાં કપડાં પહેરાવ્યાં. એના ગજવામાં અશરફીઓ ભરી દીધી.

માર્ગે બાતમીદારો મળતા જતા હતા. કાસદો સાંઢ્યો ઝોકારીને ઠેકઠેકાણે ઊભા હતા. સમાચારો બંડના હતા. બીજા અમીરોએ બંડ જગાવીજગાવી ફોજો હંકારી હતી. ભદ્ર ઘેરાઈ ગયું હતું.

“ભલેને ચૂંથતા માળાને !” ઇતમાદે દાઢી પર હાથ પસવાર્યો : “બુલબુલ તો મારી પાસે જ છે ને !”