પૃષ્ઠ:Samarangan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠનો કોલ
43
 

 મજલ કાપતાં કાપતાં કપડવંજ આવ્યું. ત્યાં બે દિવસનો આશરો લીધો. બંડખોરોનાં લશ્કરોએ કપડવંજની ધરતીને પણ ધ્રુજાટી આપી. વૃદ્ધ ઇતમાદે બાળ સુલતાનને ઘોડે નાખી ત્યાંથી પણ ઉઠાવ્યો. ‘જલદી હાંક, જલદી ઘોડો હાંક ! તારો જાન જોખમમાં છે’, એવો ડર બતાવતો ઇતમાદમાં એની પાછળ હતો. રાત પડી ગઈ હતી. બાળકનો જીવ એ પહાડી ઘોડા પર ઠેરતો નહોતો. મજલ કપાતી નહોતી. પંખીનો પીંજરાધર વજીર ઇતમાદ ખિજાતો હતો. ખીજનો પારો આખરી આંક સુધી ઊંચે ચડી ગયો.

“હેઠ નામર્દ ! હેઠ વ્યભિચારિણીના ફરજંદ !” એવા શબ્દો ઇતમાદના હોઠમાંથી સર્યા.

એ શબ્દોએ બાળકની સળવળતી મર્દાઈને આગ ચાંપી. બાળકે પોતાના અશ્વને એડી મારી. અશ્વ ઊપડ્યો. લગામે નાના પંજામાં ઝીંક ન ઝાલી, બાળ સુલતાને ઘોડાની ગર્દન પર દેહ ઢાળી દઈ બાથ લીધી. એને લઈને ઘોડો ઊપડ્યો. ઘોડાએ સીધા માર્ગો મૂકીને સીમના નદીઓ અને નાળાંના, ભેખડો અને ખાડાના આડમાર્ગ પકડ્યા. ઇતમાદ અને એના ફૌજી સવારો સમજે – ન સમજે ત્યાં તો ઘોડાએ નાળાં ટપી, નદી વટાવી, ઝાંખર પર છલંગો મારી બાળ-અસવારને રાતના અંધકારમાં ગાયબ કરી દીધો.

ઘોડો દોટમદોટ જાય છે. પગલું ચૂકતો નથી. ઠોકર ખાતો નથી. પોતે એકાકી બન્યો છે. પાંજરું તૂટી ગયું છે, ચિડિયાંનો ચોકીદાર પાછળ રહી ગયો છે. બાળકને ભાન થયું, મુક્તિનું ભાન થયું. અનંત આકાશની આસમાની હેઠળ, અહોહો ! શું આટલી બધી સ્વતંત્રતા પથરાયેલી છે ? પૃથ્વી શું આટલી બધી પહોળી છે ? રાંગમાં શું આવો વેગધારી રેવત છે ? અંધકાર શું અભેદ્ય અને બિહામણો નથી ? યૌવન શું જાગવાની જ રાહ જતું હોય છે ? જાગ્યા પછી શું એને ડર નથી ? રુકાવટ નથી ?

બાળક એકલો રંગમાં આવી ગયો. એના બીકણ કલેજામાં આઝાદીના ફુવારા ઊછળ્યા. એનો દેહ ઘોડા પર ટટ્ટાર બન્યો. ભય