લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
44
સમરાંગણ
 


ગયો, આત્મશ્રદ્ધા આવી. કેદ તૂટી, પાંખો ફૂટી. મનુષ્યોનો સંગ મટ્યો, અનંત સિતારા અને નિઃસીમ પૃથ્વીનાં મેદાનો સંગાથી બન્યાં. દોડ્યો જા, રેવત, દોટમદોટ લઈ જા મને, મરજી હોય ત્યાં લઈ જા. તેડી જા મને મારી અમ્માની પાસે. અમ્મા મરી ગઈ છે. મૃત્યુ અમ્માની ગોદ છે. માને પડખે પોઢાડનારું મોત મંગળ છે. એ મોતથી બીતો બંધ થનાર યુવાન જિંદગીને ચાહવા લાગ્યો. પળેપળ એને જીવવા જેવી લાગી. હવાની હરએક લહરી અને માતાના પયપાન જેવી મીઠી લાગી. એ એક જ રાત્રિએ કિશોરાવસ્થાની કૂખેથી તસતસતા જોબનને જન્મ આપ્યો.

પ્રભાતની લાલી પથરાઈ, ને સોરઠ-ગુજરાતની મિલન-ભોમ કંકુવરણી બની. સીમનાં સરોવરડાંનાં હૈયાં ઉપર બાળ-સૂર્યનાં કિરણોના ગલ પડ્યા, ને બાળ નહનૂના વીરત્વનું પ્રતિબિમ્બ અંકાયું. ઘોડો ચાલતો ગયો, તેમતેમ ધરતી રંગો બદલતી ગઈ. માર્ગે માણસો મળતાં તેને કહેતો કે ‘જૂનાગઢના સૂબાનો માણસ છું. ટપાલ લઈ જઉં છું’. બીજાને બનાવતો કે ‘બાજુમાં જ સુલતાની ફોજ પડી છે, તેનો ઘોડો સાચવનાર છું’.

વીરમગામની શ્યામરંગી, વઢિયારની ભૂખરી, પાંચાળની કંકુવરણી, મચ્છુકાંઠાની કાંકરિયાળી, એવી વિધવિધરંગી ધરાને વીંધતો, ખેડૂતોના રોટલા ખાતો, મૈયારીની છાશ પીતો, સોરઠિયાણી માતાઓનાં અણઓળખ્યાં વાત્સલ્યે છલકતી નયનમમતામાં નાહતો એ મુસ્લિમ બાળક, આખરે બે જ દિવસની મજલ વટાવીને હાલારના એક ગામડાને પાદર આવી ઊભો.

“ગામનું નામ ?”

“ખેરડી.”

“ગામધણી ?”

“લોમો ખુમાણ.”

“એની પાસે મને તેડી જાશો ?”

“આ ઊભા ભેંસુંનાં ખાડુ પાસે.”