પૃષ્ઠ:Samarangan.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’, કાઠિયાવાડ અને ગુજરાતના સર્વસંગ્રહ, ‘કચ્છનો ઇતિહાસ’, કૅપ્ટન બેલનો ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’, ‘વીભાવિલાસ’, ‘સોરઠી તવારીખ’. વાંચીને પછી તવારીખના ખોખામાં વાર્તા ઉતારી.

સતા જામ, જેસો વજીર, અજો જામ, નાગડો વજીર, ઇતમાદખાન, લોમો ખુમાણ, દૌલતખાન, નહનૂ મુઝફ્‌ફર, રજપૂત ભૂચર મોરી – એ બધી ઐતિહાસિક વ્યક્તિઓ છે. મુઝફ્‌ફર તો સંપૂર્ણ ઐતિહાસિક.

નાગડા વજીરની બાલ્યાવસ્થા અને મૃત્યુ વચ્ચેનો કલ્પના-સંભાર મેં ભર્યો છે. નાગડા જોગીઓની એક હજારની જમાત ‘ભૂચર મોરી’ના યુદ્ધમાં લડીને મરી છે એ ઇતિહાસમાન્ય હકીકત છે.

નાગડા વજીરનો દુહો પણ મારાં ટાંચણમાંથી જડ્યો છે:

જોયો જોમાણા તને કાબલિયે ઊંચો કરી
નાગડા ! ભીમકના ! તારું ધડ પાડિયું આવટ-ધડે.

વજીર અને વજીરાણીના સંસારનું આલેખન એ મારી કલ્પના છે. રાજુલ અને સરાણિયણ બાઈ પણ મારાં કલ્પના-સંતાનો.

લોમાની, દૌલતખાનની, તેમ જ રા’ ભારાની દગલબાજી ઇતિહાસમાં નોંધાયેલ છે. બેટ દ્વારકાના સવા કે સંગ્રામ વાઘેરનું સ્વાર્પણ ઇતિહાસભાખ્યું છે. સતા જામનું યુદ્ધમાંથી પલાયન ને અજા જામનું યુદ્ધ ગમન ઈતિહાસમાન્ય છે. સતા જામે પાછળથી મુગલો પાસેથી આવી સ્વમાનઘાતક શરતે નવાનગર પાછું મેળવ્યાનું ઇતિહાસમાં છે. નગરનું ઇસ્લામાબાદ બનવું એ પણ તવારીખમાં છે.

મુઝફ્‌ફરનો ધ્રોળને પાદર અસ્તરાથી આપઘાત એ તવારીખમાં છે.

‘વીભાવિલાસ’ નામનો નવાનગરના રાજકુલનો બિરદાઈ ગ્રંથ મેં જોયો છે. એ એક પ્રશસ્તિ-કાવ્ય છે. કાવ્યદૃષ્ટિએ આ કૃતિ અતિ ઊંચા પ્રકારની છે. પણ જામ સતાને ઊજળા ને ઊજળા જ બતાવનારી એમાંની લખાવટ દોષિત છે. અને ભૂચર મોરીના સંગ્રામમાં જામની જીત થઈ તથા કુંવર જસાજીને દિલ્હી તો કેવળ સમાધાન માટે મોકલ્યા એ તો

[6]