પૃષ્ઠ:Samarangan.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
સમરાંગણ
 

 “કાંઈ ફિકર કરો મા, ખુદાવંદ ! અમે સોરઠના પોતરા આપને માટે શરીરની ચામડી ઉતારી દેશું. આપ નિરાંતે રહો. હું તેલ જોઉં, તેલની ધાર જોઉં, કોઈ ક્યાંય ફસાવી ન દ્યે, એવી ચાલબાજી ચાલવી જોવે. આપ સુખે સૂઓ. મારા કાઠીઓ આપને માટે માથાં દેશે. આપ સુલતાન છો એ તો ઠીક, પણ આપ અમારા શરણાગત છો. શરણાગતિ સમો બીજો કોઈ ધરમ સોરઠના પોતરાઓએ જાણ્યો નથી.”

“ને પાછાં, ઓહોહો ! મને અજાણ્યાને એક સોરઠિયાણી બહેન મળ્યાં. હવે મને શેની બીક હોય ?”

અને આઠ દિવસ પછીની એ સોરઠી રાત પોતાના શરણાગતને ખોળામાં ઘસઘસાટ પોઢાડી દઈ, બેઠીબેઠી અનંત ઝાકળ-બિન્દુઓનાં આંસુડાં પાડતી હતી.



9
ભવિષ્ય-વાણી

“સજાવવાં તે કોઈને છરી કટારી, અરે સજાવશો કે કોઈ દોધારી ચોધારી... ઈ... ઈ ?”

મધ્યાહ્‌ન પછીના ઢળતા બપોરે શેરીએ શેરીએ થઈને ચાલ્યા જતા આવા સાદ સાંભળવા મીઠા લાગે છે. ઘેરે અવાજે નર બોલે ને પાછી નારી એ નરનું પૂરું થતું વેણ ઝીણે સાંદે ફરીથી ઊથલાવે ત્યારે હવામાં જાણે સૂરની લેરિયા – ભાત્ય પડી જાય છે.

નાગની ઉર્ફે નવાનગર બંદરના સોળસોળ દરવાજા આવા સરાણિયા-સાદે ગુંજી ઊઠ્યા. એક બુઢ્‌ઢો ને બે જુવાનડાં, ત્રણ સરાણિયાનું ઝીણું ઝૂમખડું દરવાણીઓની નજરે પડ્યું. પીપરને છાંયે જુવાન આદમીને ખભેથી વહુએ પથ્થરની સરાણ ઉતારી ખાડાં ખોદીને પગાં ખોડી દીધાં.