પૃષ્ઠ:Samarangan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવિષ્ય-વાણી
51
 

 તેના ઉપર સરાણનું પૈડું બેસાર્યું. જુવાન પુરુષનાં ઓળેલાં ઓડિયાં ઉપર ફેંટાનું છોગલું નાચવા લાગ્યું, ને વહુના બાજુબંધોએ પણ સરાણનું ચક્કર ખેંચવા સાથે ફૂમતાં હીંચોળ્યાં. બુઢ્‌ઢો સજાવવાનાં હથિયાર એકઠાં કરવા શેરીઓમાં આંટા દેવા લાગ્યો.

જેસા વજીરની ડેલી નજીકમાં હતી.

“કોઈ સજાવો છો, બા, સમશેરું છરીઉં...” બુઢ્‌ઢાના એ સાદે એક મેડીની બારી ઊઘડાવી.

“જે આશાપરા ! બા, જે આશાપરા ! નરવ્યાં છો ને, બા ?” બુઢ્‌ઢાએ એ બારીમાંથી ડોકાતી પ્રૌઢા સ્ત્રીને બે હાથ જોડી પ્રણામ કર્યા.

"કોણ, રતનું સરાણિયો ?” જોમાબાઈએ ઓળખ્યો.

"ભલો ઓળખ્યો મને. બા. સોળ વરસે જોયા ભેળો જ ઓળખી લીધો !”

"જોયે તો નહિ, ભાઈ, પણ સાદ સાંભળ્યે પારખ્યો તુંને.”

“ખમા ! સાદનું તો હવે, બા, અવસ્થાના પ્રમાણમાં કાંઈ નક્કી કહેવાય છે થોડું !”

“ન કહેવાય શું? સાદ તો એવો ને એવો સરવો સાચવ્યો છે તેં તો, માડી રતનું. કેમ, બધાં નરવ્યાં છે ને ?”

"નજરે જ જોવોને, માડી ! ઓ જો સરાણ તાણે પીપરને છાંયડે.”

રતનું સરાણિયે આંગળી ચીંધીને દીકરી દેખાડી.

“આવડી મોટી થઈ ગઈ !”

“અરે માડી, પરણાવી સોત ને !”

નીચે ઊભેલો સરાણિયો અને ઊંચે ઊભેલી વજીર-પત્ની વાતો કરે છે, ત્યાં તો સરાણ તાણતી કન્યાનું મધકંઠીલું ગળું ટપક્યું :

કાટેલી તેગને રે
ભરોંસે હું તો ભવ હારી
હું તો ભવ હારી.

રતનું સરાણિયે હોઠ મલકાવીને જોમબાઈને કહ્યું : “જોયું. મા ?