પૃષ્ઠ:Samarangan.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
સમરાંગણ
 


એનું ગળું સાંભળ્યું ?“

“નામ શું રાખ્યું છે ?”

“નાગબાઈ. સદાનું સંભારણું.”

“માદળિયું સાચવીને રાખ્યું છે ને ?”

“એની ડોકમાં જ છે.”

“ધૂપ ?”

“એકોય દિ’ ભૂલ્યો નથી હું, મા ! તમારે નજરે કરવા જ તેડી લાવેલ છું. નીકર અમદાવાદમાં તો પૂરતી કમાણી હતી.”

“આંહીં લઈ આવીશ ને ?"

“શા માટે નહિ લાવું ? આ તો મારા મનમાં કે માને ગમશે કે નહિ ગમે ?”

“બીકાળું તો બહુ છે, ભાઈ, પણ મને જોવાની ઝાઝા દિ’થી ઝંખના હતી. એટલે હું જોઈ લઉં પછી તું એને આંહીં રહેવા દઈશ મા, હોં ભાઈ ! મારા માથે હજી વે’મનું ચક્કર ફરે છે.”

દરબારની વચેટ રાણીની જન્મેલી દીકરીને તત્કાળ ‘દૂધપીતી’ કરવા માટે, એટલે કે દૂધમાં ઝબોળી ઝબોળી મારી નાખવા માટે, આ વજીર-પત્નીને સોંપાઈ હતી, પણ એણે છોકરીને મારી નહોતી એવો વહેમ એના પર ભમતો હતો તે વાચકને પહેલા પ્રકરણથી યાદ હશે.

“અરે રામ રામ કરો, મા. કપાઈ જાઉં તો ય કહું થોડો કે ? ને હવે તો પૂછે જ કોણ ? કોને પડી છે ? રાજના કરતાં અહીં આપણે આશરે સુખી છે. ઓછામાં પૂરું વળી મા આશાપુરાની પણ માનેતી બની છે, થઈ થાવી કહી આપે છે, હોં બા ! અને હેં મા, ભાઈ ક્યાં છે ?”

“ભાઈને તો હું હારી બેઠી છું.”

“શું કહો છો ? ભગવાને...”

“ના. ભગવાને તો નથી તેડાવી લીધો, પણ માણસુંએ ચોરી લીધો છે. આજકાલ કરતાં દસ-બાર વરસ વીતી ગયાં છે. આજ તો અઢાર વરસનો હોત.”