પૃષ્ઠ:Samarangan.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવિષ્ય-વાણી
53
 


સરાણિયાએ પોતાની સ્મૃતિઓના લાંબાલાંબા પંથ પર દિલ દોડાવ્યું ને પછી કહ્યું : “મા ! આંખ્યુંને તો સદાનો દોષ છે. પણ મારો રુદો સાક્ષી પૂરે છે કે ભાઈને રામ-રખવાળાં હોવાં જોઈએ.”

“ક્યાંય દીઠો ?”

“કેટલાં વરસના થયા હોય ?”

“સત્તર-અઢાર.”

“મનને વહેમ છે કે અમદાવાદમાં નાગડાઓની જમાતને અખાડે એક એવડો જ, અને એવો જ કોઈ મેં દીઠો છે.”

“શું કરતો’તો ?”

“તલવાર-પટે ખેલતા.”

“સાચેસાચ ?” માતાનાં થાનમાં થરેરાટ જાગ્યો.

“બાવાઓ એક પંદર-સોળ વરસના છોકરાને સમશેરબાજી શીખવતા હતા. ભેખ નહોતો પહેરાવ્યો. સંસારી વેશમાં જ જોયો છે મેં બાળકાને. ધોતિયાનો કછોટો ભીડેલો. છાતીનો ભાગ ઉઘાડો હતો. ભરપૂર ભુજાઓ : બેવડમથ્થો : શું તલવાર સમણતો’તો, શું પટા ખેલતો’તો ! અમદાવાદ ગાંડું બનતું. મારું તો મન જ જોયે ધરાતું નહોતું. ને બાવાઓ એને હાથે હારતાં હારતાં ય પડકારા દેતા’તા, શાબાશ સોરઠિયા ! રંગ તેરી જનેતા કા ધાવણને, સોરઠિયા ! પણ, કોણ જાણે શાથી, જનેતાના ધાવણના ધન્યવાદ ઊઠતા કે જુવાન થંભી જતો ને ચકળવકળ, ચકળવકળ, ચારેય કોર જોતો હાથ જોડીને પગે લાગતો.”

“એને તે બોલાવી જોયો’તો ?”

“મારી પાસે એક વાર એ પોતાની તલવાર ને કટારી સજાવવા લાવ્યો’તો. મેં ઘણું ઘણું પૂછ્યું, પણ બોલે જ નહિ, કે પોતે કોણ છે.”

“તેં એના હાથ જોયા હતા ? એક હાથની ટચલીને છઠ્ઠી નાની આંગળી લાગેલી હતી ?”

“આંગળી ? ના, આંગળી તો નહિ, પણ કાંઈક છેદેલું લાગતું હતું.”