પૃષ્ઠ:Samarangan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
સમરાંગણ
 

 “ડાબી ભુજા માથે લાખું હતું ?”

“હતું, હતું, મા.”

“ઇ જ ! ઇ જ ત્યારે તો. એ ભાઈ, તારે પગે પડું છું. કોઈને વાત કહેતો નહિ.”

“આમ જોઈયેં તો લાગે બોતડ અને બહેરા જેવો. પૂછીએ એ સાંભળે નહિ, બોલાવ્યો બોલે નહિ, ‘હાં ? હાં ? હાં ? ક્યા ?’ એવું પૂછ્યા કરે. ‘સોરઠ મેં જાના ? હાં હાં ? નાગની મેં જાના ?’ એવું બોલ્યા કરે. ત્યારથી જ, મા, મને વે’મ પડી ગયેલો. ને મેં બે વરસના દીઠેલા ને, એ જ તોતિંગ મોટું માથું, ને એ જ જરીક વહરું રૂપ...”

વાર્તાલાપમાં ભંગ પાડતી એક ચીસ સંભળાઈ. ગીત ગાનારીના ગળાની જ એ ચીસ હતી. બેબાકળો બુઢ્‌ઢો સરાણિયો દોટ કાઢતો ગઢની રાંગે પહોંચ્યો ત્યારે દીકરી મૂર્છાવશ બનીને પડી હતી, બાજુમાં સજેલી સમશેરો પડી હતી, જાડેજા જોદ્ધાઓનું કૂંડાળું થઈ ગયું હતું, ને બેભાન છોકરી બોલતી હતી : “રણથળ ! રણથળ ! રણથળ ! ભાઈનું રણથળ ! ભાઈનો વિશ્વાસઘાત !”

એને ખોળામાં લઈ, એની આંખો પર ને માથા પર પાણી છાંટતો બુઢ્‌ઢો બેસી ગયો. જાડેજા જોદ્ધાઓ ઝબકેલા ઊભા હતા, જુવાન સરાણિયો માલિયો પોતાની વહુનાં કપડાં સંકોરતો હતો.

બાઈ ધીમેધીમે શુદ્ધિમાં આવી. એણે એક વાર પોકારી પોકારીને રુદન આદર્યું. રોઈ કરીને, આંસુ ખંખાળીને એ બેઠી થઈ, ત્યારે બાપે પૂછ્યું : “શું થયું છે તને, બેટા ?”

“આ બધીયુંય તરવાડુંમાં મને એક મોટું રણથળ દેખાયું. મેં મારા ભાઈને મરતો જોયો.”

“અરે ગાંડી, તારે ભાઈ જ ક્યાં છે ?”

“ન હોય તો મરતો ક્યાંથી જોઉં ? મારો ભાઈ, જોબનજોદ્ધ ને મીંઢળબંધો, અધૂરે ચોરી-ફેરે રણથળમાં પડેલો મેં જોયો. હજારું લાખુંની મેં કતલ દીઠી, આ જાડેજાઓને મેં પડતા જોયા. રણથળ ! રણથળ !