પૃષ્ઠ:Samarangan.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
56
સમરાંગણ
 

 વીર...” એમ કહેતી કહેતી એ બાઈએ દૂરથી વારણાં લીધાં. સૌને હસવું આવ્યું : “ગાંડી છે.”

“ચાલશું, બાપા ?” ચાર અનુચરોમાંથી એક બુઢ્‌ઢાએ બાજુમાં આવીને કિશોર આગેવાનને આ રોનકમાંથી ખેસવવા પ્રયત્ન કર્યો.

“જરા થોભો,” કિશોરે એને જવાબ આપીને બાઈ પ્રત્યે પ્રશ્ન કર્યો : “રણથળમાં કોણ હતા સામા ?”

“મુંગલા.”

“અરે ભાન વગરની...” એટલું બોલીને બાઈનું મોં દાબવા જતા ડોસાને અટકાવતા કુંવર અજો જામ વધારે કુતૂહલવશ બન્યા. પૂછ્યું : “રણથળમાં હું કેવો લાગ્યો, બોન ?”

“બહુ રૂડા લાગ્યા, ભાઈ !”

“મારા જોડીદાર કોણ હતા ?”

“જટાળો એક જુવાન. બાવા... બાવા... બાવા...” કહેતી બાઈ ફરીવાર મૂર્છામાં પડી.

“બીશો મા, બાપા.” બુઢ્‌ઢાએ એ ચમકેલા કિશોરને સમજ પાડી : "ઈ છે જ એવી ભમેલ માથાની. અબઘડી પાછી ભાનમાં આવી જશે. આપ આપને ઠેકાણે સિધાવો, ધણી ! અમે તો હમણાં જ હાલી નીકળશું.”

“ના, ના, હલાય નહિ.” એમ કહીને કિશોરે પોતાના બુઢ્‌ઢા, અનુચર તરફ ફરીને કહ્યું : “એની બરદાસ્ત કરાવો. જોજો કોઈ રંજાડે નહિ.” વૃદ્ધ અનુચરે ત્યાં ઊભેલા ચોકીદારને ઇશારત કરી દીધી.

પળવારમાં તો પાંચેય ઘોડાં પાટીએ ચડ્યાં.

બાઈ ફરીથી ભાનમાં આવી, એટલે બુઢ્‌ઢો એને કહેતો કહેતો કપાળ કૂટવા લાગ્યો : “બાઈ, કરમહીણી, તેં આ શું નખોદ કાઢ્યું અમારું ! આ રાજવળામાં રાત રાખ્યાં !”

“ને હવે દિ’ ઊગી રિયો !” એક સૈનિકે ભયમાં વધારો કર્યો.

“કાં ?”

“મોટા જામબાપુને જાણ થાય એટલી જ વાર છે હવે. જીવતાં જ