પૃષ્ઠ:Samarangan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
સમરાંગણ
 

 નાખ્યું. એનો દીકરો સૈયદ મીરાન માર્યો ફરે છે. પણ ગાદીએ બેઠેલો ચંગીઝખાન લોકુંનો ભારે લાડીલો બની બેઠો છે ને !"

“સાંભળ્યું છે ખરું.” સતો જામ માહિતી હોવાનો ડોળ કરતા હતા.

“એ વાત ખરી. એણે તો આવતાંવેંત જ છોકો બેસાડી દીધો છે. એક તો એક દરબારી મુગલને, કોઈક ગરીબ માણસની છોકરીને ઉપાડી જવાના ગુના બદલ છડેચોક ફાંસીના લાકડા માથે લટકાવી દીધો. લશ્કરમાં ધાક બેસી ગઈ. ને તે પહેલાં ય, કાંકરિયાને કાંઠે પહેલો પડાવ કર્યો, પંદર દિવસ ફોજ પડી રહી, આજુબાજુ લીલાંછમ ખેતરો-વાડીઓ, પણ હુકમ કર્યો કે ખબરદાર જો કોઈનાં ઘોડાંએ ખેડુનું એક લીલું પાંદડુંય બગાડ્યું છે તો. ઠાર જ મારીશ. પંદર દિવસ ફોજ પડી રહી, પણ એક ટીડડું ય જાણે ન બેઠું હોય એવી નિરાંત લઈને ખેડૂતોએ નીંદર કરી. આમ લોકોમાં તો થયો છે વાહ વાહ, પણ એટલા જ કારણસર અમીરોમાં કડવો ઝેર બન્યો છે.”

“કાં ?” સતા જામનો સવાલ એની બુદ્ધિનો માપક હતો.

“અમીરોને જોતું’તું ઓડું. ને આ તો નીકળી પડ્યો પાણીદાર, એટલે હવે તો એને લાવનારો શેરખાન જ પસ્તાય છે.”

“આપણે ત્રાગડો સાંધીએ તો ?”

“એ જ મારી ગણતરી છે. મેં શેરખાનને સંદેશો મોકલ્યો છે, કે જૂના સુલતાનનું ઠેકાણું મારા જાણવામાં છે, જ્યાં છે ત્યાં એ સહીસલામત છે, તમે નવાને ઠેકાણે કરી નાખો તો પછી હું જૂનાના વાવડ દઉં.”

“તમે ઉતાવળ કરી, લોમાભાઈ !” જામ સતાએ અણગમો છતો કર્યો.

"કાં ?”

“આપણા બેયના તરફથી કહેવરાવું’તું.”

“જોજો જામે મારી કિંમત કરી ! મેં શું મારા નામથી જ મોટાઈ ખાટી હશે ? મેં તો, જાડેજારાજ, તમને જ આગળ ધર્યા છે. નીકર હું