પૃષ્ઠ:Samarangan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મસલત
59
 

 આંહીં આવું શા માટે ?”

“ત્યારે તો મારી ભૂલ થઈ.”

“કાઠીઓનો આપને ઇતબાર કાંઈક ઓછો ખરો ને ?” લોમા ખુમાણે ઠેકાણાસર ઘા કર્યો.

“હવે, ભાઈ ! દરગુજર કરો. પણ હવે પહેલું કામ આપણે જૂનેગઢ જઈ અમીનખાનને હાથ કરવાનું રહે છે.”

“એને ય મેં સંદેશો મોકલ્યો છે – એ ય પાછો આપના સેવક તરીકે, હોં !” ખુમાણે પાણી પહેલાં પાળ બાંધી.

“ત્યારે તો આપણું ત્રણનું જૂથ નક્કી થયું.”

“ગુજરાત આપણી સમજો ને !”

“છોકરો તો નહિ છટકે ને ?”

“એ તો સોરઠની ઈમાનદારી ઉપર ઘેલો બન્યો છે. એને તો કાયમ ફફડતો રાખવાની ચાવી મારી આગળ છે.”

“શું ?”

“ઇતમાદખાનું નામ. ‘એ આવ્યો ઇતમાદ !’ એટલું કહેતાં તો આપઘાત કરવા ઊઠે છે.”

“ત્યારે હવે ?”

“હવે બસ, વાટ જ જોઈએ છીએ. નવો સુલતાન ચંગીઝ ઠાર થયો સાંભળીએ કે ઘોડાં ચાંપીએ.”

“કેમ, જેસા વજીર.” જામ સતાએ ત્રીજા મૌન ધારણ કરી બેઠેલા એ વૃદ્ધ તરફ આંખો ઠેરવીને પૂછ્યું : “તમે કેમ કાંઈ બોલતા નથી? તમારું શું ધ્યાન પડે છે ?”

“આટલું જ.” જેસા વજીરે શાંતિથી કહ્યું : “કે આપણી દાનત એ છોકરાને ખાતર છેલ્લામાં છેલ્લી વાત સુધી ખપી જવાની હોવી જોઈએ. ફક્ત ગુજરાત હાથ કરવાની ગણતરી હશે તો એ છોકરાનું કાસળ નીકળી જશે.”

“જેસાભાઈ તો, જામબાપુ,” લોમા ખુમાણે આંખ ત્રાંસી કરી :