પૃષ્ઠ:Samarangan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
62
સમરાંગણ
 


તે પછી જામ પાસે એના કુંવર અજાજીએ આવીને સરાણિયાની છોકરીનો બનેલો મામલો કહી બતાવ્યો.

“ઢોંગબોંગ તો નથી કરતી ને ?”

“નહિ રે નહિ, બાપુ, ઢોંગ આવા હોય કદી ? એ જ્યારે બેભાન બને છે ત્યારે આપોઆપ લોબાનનો ધૂપ પ્રગટ્યો લાગે છે. નક્કી. એની સરમાં કોઈક દેવતા આવે છે.”

“એણે શું કહ્યું ? કોનું રણથળ રચાશે ?”

“મુંગલા મુંગલા કરતી’તી એ તો.”

“મુંગલા તે આંહીં કેવા ? દલ્લીના મુગલો બાપડા સોરઠમાં ક્યાંથી આવી શકે ?"

“આવે કે ન આવે, બાપુ, પણ આપની તલવાર એને બતાવીએ.”

“ભલે, કરો ત્યારે રોનક.”

વળતા દિવસે દરબારગઢના ચોકમાં સરાણિયાંઓએ સરાણ માંડી. સરાણનાં નેતરાં ખેંચાયાં. ખેંચનારીના બાજુબંધોનાં ફૂમકાં ઝૂલ્યાં, ને એણે ગાણું ઉપાડ્યું :

કાટેલી તેગને રે
ભરોંસે હું તો ભવ હારી
હું તો ભવ હારી.

કુંવર અજાજી પિતાની તલવાર લઈને ઉમળકાભેર દોડતા આવ્યા. બાઈએ કુંવરને જોતાંની વાર સરાણ-પટા હેઠા મૂકીને દૂર રહ્યેરહ્યે કુંવરનાં વારણાં લીધાં. પાછી એ રસી તાણવા લાગી. કુંવરે સરાણિયાના હાથમાં એ પહોળા પાનાની લાંબી ને પાતળી સમશેર મૂકી. મ્યાનમાંથી નીકળતી સમશેરે કેટલાય માણસોનાં પ્રતિબિમ્બો રમાડી લીધાં. રત્નજડિત મ્યાનમાંથી બહાર આવતી એ તલવાર ફૂલભર્યા બગીચામાંથી બહાર આવતી રાજકુંવરી જેવી લાગી.

“બાપુની સમશેર : મોટા જામ બાપુની સમશેર આ તો !” એવું બોલીને કેટલાક માણસોએ તલવારની ઓળખાણ પાડી.