પૃષ્ઠ:Samarangan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરદેશીને તેડું
65
 

 સંદેશો અમદાવાદના નવા તખ્તધારી ચંગીઝખાન તરફથી હતો કે ‘ખાનજી, પાછા વળો. આપને માટે આપનો દરજ્જો, માન ને મરતબો, પોશાક અને પદવી તૈયાર છે.’

સંદેશો લાવનાર અમીરને ઇતમાદે આંખો ઝીણી કરીને પૂછ્યું : "હંમ ! મને પાછો તેડાવવામાં શો ઇરાદો છે ચંગીઝખાનનો ?”

“ઇરાદો આ છે : હવે ગુજરાતને સાચા કે ખોટા, લંપટ કે સદાચારી, કોઈ કરતાં કોઈ સુલતાન-બુંદના તખધારીને હાથ સોંપીને અમીરોમાં એકબીજા સામેની ખટપટો ને ઈર્ષાઓ જલાવવા દેવી નથી. હવે દારૂ અને દુરાચારમાં ડુબાવેલા સુલતાનોની જમાત ખતમ થઈ ગઈ. આવો, ઇતમાદખાન, આવો, સમસ્ત અમીરો, આપણે અમીર મંડળ જ રૈયતની રાય પૂછતા પૂછતા અદલ ઇન્સાફવાળો વહીવટ કરીએ. આપણામાં ન કોઈ મોટો, ન કોઈ નાનો, આપણે સર્વ સમાન, પણ એક સમર્થને આપણા અગ્રપદે સ્થાપીએ, ગુજરાતના ગુલશનને ફરી એકવાર ગુલોથી ભરપૂર, મહેકતું, સુખી સંતોષી બનાવી દઈએ.”

સર્વ વાત સાંભળી લઈને ઇતમાદે દાઢી પર હાથ નાખ્યો. સંદેશો લાવનારને કહ્યું : “હા, ઠીક વાત છે. હું વિચાર કરું છું.”

બીજી તરફથી બીજો એક સંદેશો આવ્યો : “હું આ મુલકમાં આપને મદદ કરવા આવ્યો છું. ચાલો, આપણે એકત્ર બની આ પ્રજાપ્રેમના, ડોળઘાલુ ગુલામ બેટા ચંગીઝખાનને ચોળી નાખીએ. આપને આપના અસલ સ્થાન પર નીમી દઈને અમે તો અમારે દેશ સિધાવીશું.”

પહેલો અવાજ સ્વદેશીનો, સમોવડિયાનો, સજ્જનનો હતો. બીજો અવાજ એક પરદેશીનો, બુરહાનપુરના પાદશાહ-બેટા મીરાન મહમદશાહનો હતો.

સ્વદેશી અને પરદેશી, બન્ને અવાજોને ઇતમાદે ઉત્તર આપ્યો કે “હાં, હું તમારી સાથે છું, હા, હું તમારે જ પક્ષે ચાલ્યો આવું છું.”

ચંગીઝખાનના સંદેશાને સામે રાખીને ઇતમાદ એકલો એકલો હસી પડ્યો : ‘ગુજરાત, ગુજરાતનું પ્રજાસુખ, ગુજરાતની ગુલશન સમી