પૃષ્ઠ:Samarangan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
68
સમરાંગણ
 

 શણગારેલાં દેખીને ઇતમાદખાને ગર્વ અનુભવ્યો. એને આ સ્વાગત પોતાનું જ લાગ્યું. મલપતે પગલે ચાલતાં ચાલતાં ખાંસાહેબ સુલતાન-કચેરી તરફ ચાલ્યા, તો ચોઘડિયાં વાગતાં હતાં, ડંકા-નિશાન ગાજતાં હતાં, છડીઓ પુકારાતી હતી. ‘વાહ ! વાહ !’ એવું ડોલતું દિલ લઈને પોતે કચેરીમાં પગ મૂક્યો; પગ મૂકતાંની વાર એણે જે દીઠું તેનાથી પોતે ચમકીને ઊભો રહી ગયો. પઠાણ શેરખાન આ કોનો રાજદંડ પકડીને ઊભો છે ? આ તખ્ત પર કોણ છે ? એક જુવાન છે. એની રક્ષા કરતા પચાસ પટાધર કાઠીઓ સફેદ કપડાં સજીને કચેરીમાં ઊભા છે. તખ્ત પર બેઠેલો એ જોબનજોધ મુઝફ્ફર નહનૂ જ છે. શેરખાન અને અન્ય અમીરો આજે ફરી એક વાર એની કુરનીશ બજાવી રહ્યા છે.

“ધ્રૂજો ના, ઇતમાદખાન !” શેરખાન ફોલાદીએ સંભળાવ્યું : “તમારે માટે હજુ પણ આશા છે. અમે તો તમને હાથીને પગે છૂંદાવવાના હતા, પણ સુલતાનની દયા અમારી આડે આવી છે. તમારી જૈફી તમારું જીવતદાન દેવરાવનાર બની છે. બોલો, શાંતિથી તસ્બી ફેરવવી છે ?”

ડબ ડબ ડબ, ઇતમાદખાનનાં નેત્રો વહેવા લાગ્યાં. એણે કહ્યું : “મુઝફ્ફરશાહ ! મારા સુલતાન ! મારા બચ્ચા ! મને ખત્મ જ કરો. હું જીવવા માગતો નથી.”

“ઇતમાદખાન !” સુલતાન મુઝફ્ફરે કહ્યું : “તમને ખત્મ કરવાની મારી હિંમત નથી. તમે મને ઉછેર્યો છે. જાવ, અમદાવાદ જેમ મારું તેમ તમારું પણ ઘર છે. બંદગી કરો. કોઈ તમારું નામ નહિ લે. ને હું તો આ જિંદગી પાસેથી એક જ વાત શીખ્યો છું : ઇતબાર કરવાની વાત. જાઓ.”

ધીરેધીરે ડગલે ઇતમાદખાન પાછો વળ્યો. ઘેર ચાલ્યો ગયો.

“કાઠીભાઈઓ !" નવેસર સુલતાન બનેલો મુઝફફર હવે બાળપણાની બેવકૂફ બોલીને વટાવી જઈ ડહાપણનાં વિદાય-વચનો બોલતો હતો : “કાઠીભાઈઓ! સલામો કહેજો લોમા ખુમાણને, પણ અસીમ પ્યારથી ભરેલી મારી અદબ તો દેજો કાઠિયાણી બહેનનાં