તે યાદ છે ?”
“બેશક, મેં કહ્યું કે આપની ફોજ છોટી છે, પરદેશની ફોજ બુલંદ છે, ચાલો આપણે દિલ્હીના પાદશાહને આંહીં તેડાવીએ.”
“ત્યારે મારા પિતાએ શું કર્યું હતું, ખબર છે ?”
“શત્રુ સામે જંગમાં ઊતરીને ખપી ગયા હતા.”
“ત્યારે એને કોની સલાહ મળી હતી જાણો છો?”
“નહિ."
“તો સાંભળો. એક પરદેશીથી બચવા માટે બીજા પરદેશીને નોતરી આવવાની તમારી સલાહ સાંભળ્યા પછી મારા પિતા ચુપચાપ જેની પાસે ગયા હતા તે હતી પોતાની પુત્રવધૂ : આપની સામે આજે બેઠેલા મીરાનની જ એ પરણેતર યુવાન ઓરત.”
“ઓરત !”
“હા ખાંસાહેબ, એક બુઝર્ગ વયના રાજનીતિજ્ઞ સૈયદે તે દિવસ અન્ય શાણાની નહિ પણ પોતાની પુત્રવધૂની સલાહ પૂછેલી કે “બીબી બેટા, અમીરો મને આમ કહે છે; મારે શું કરવું, મને માર્ગ બતાવ, બચ્ચા !”
“ને તમારાં બીબીએ શું કહ્યું હતું ?”
"કહ્યું હતું કે હું તો બીજી શી સલાહ આપી શકું ? હૃદયમાં સ્ફૂરે છે તે કહી નાખું છું. બાબાજાન, આપની ઉંમર કેટલી થઈ ? મારા પિતાએ કહ્યું, અઠ્ઠાવન વર્ષની : તો બીબીએ કહ્યું કે હઝરત પયગમ્બરના વંશજો 60થી 70 વર્ષ જ ઘણુંખરું જીવે છે. તો પછી બાકી રહેલી કેટલી જિંદગીને ખાતર આપ અત્યાર લગીની આબરૂ પવનને સોંપીને દિલ્હીના પાદશાહની પાસ સિધાવો છો ? શું એ કહેશે નહિ કે તમે એક બકાલથી ડરી આંહીં નાસી આવ્યા ! માટે સૌથી સરસ રસ્તો તો મરવાનો નિશ્ચય કરી છેલ્લી લડાઈ લડી લેવાનો છે. આ હતી એક ઓરતની સલાહ. સલાહ જ આપીને એ ઓરત નહોતી બેઠી રહી. એણે સસરાની સાથોસાથ પોતાના બાર વર્ષના દીકરાને પણ જંગમાં મોકલેલો.