પૃષ્ઠ:Samarangan.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરદેશીને તેડું
71
 


ખાંસાહેબ, આજે હું પણ એ જ સૈયદ ઓરતનો સંદેશો આપને આપવા આવ્યો છું.”

“મને... મને... મને...”

“હા હા, ખામોશ રાખો ખાંસાહેબ આપને,”

“પણ મેં... મેં... મેં...”

“આપે મુગલોને ગુજરાત ખૂંદવા આવવાનું ઇજન આપ્યું છે. આપે. એમનાં કદમે કદમે અશરફીઓની સડક બાંધી છે. કારણ...”

“કારણ ?” ઈતમાદમાં પોતાનાં ચશ્માં સોંસરા દૃષ્ટિ તાકી રહ્યા.

“કારણ, બસ, ફક્ત આટલું જ, કે આજે નહનૂ મઝફ્ફર આપની પહેરેગીરીમાં નથી, તો બીજા કોઈ ખાંસાહેબની ચોકીદારીમાં છે.”

“નહિ નહિ – હૈં-હેં-હેં હઝરત !” બુઢ્‌ઢો ઇતમાદખાં હસી કાઢતો હતો.

“ને આ બધું પાછું આપ વાનપ્રસ્થાશ્રમના નામે કરી રહ્યા છો.” સૈયદ મીરાનની વાણીમાંથી યોદ્ધા અને ધર્મવીર, બેઉનું મિશ્ર ગળું ગુંજતું હતું.

“આપને કોઈકે ભંભેર્યો લાગે છે, હઝરત !”

“ખુદાને ભંભેરણીની રીત પસંદ નથી. બીબીને કહેનારો એ એક જ છે. ખુદાને બદનામી ન આપો, ખાંસાહેબ !”

“ને ગુજરાતની બદનામી આ અફઘાનો કરી રહ્યા છે તે તો અટકાવો, હઝરત !”

“એ અટકાવવાની કોશિશો માટે જ હું જીવું છું. પણ એની અટકાયતનો ઈલાજ પરદેશી મિરઝાઓ નથી, બહારવાળાઓ નથી, દિલ્લીનો શહેનશાહ નથી...”

“કોણે કહ્યું પણ ?”

“નહિ, હું તો સહજ કહું છું. મારો મનોરથ તો આપણી ને આપણી ભૂમિ આ ગુજરાતની અંદરથી જ સુલેહની અને રાષ્ટ્રની પાક ખિદમતની શક્તિઓ ઉત્પન્ન કરવાનો છે. એટલા માટે જ હું ગુજરાતની અમીરાત