વચ્ચે એકસંપી શોધું છું. બિચારો શેરખાન ગુર્જર અમીરોના સંગઠન પછી કેટલા રોજ ? ચંદ રોજ ! પણ ગુજરાતમાંથી એક શેરખાનને હાંકી કાઢવા હું બીજા પરદેશીને તો નહિ જ બોલાવું. એ કરતાં તો હું શેરખાનને ગુજરાતી બનાવી લેવા માટે એને પક્ષે ઊભી પ્રાણ આપીશ.” બોલતાં બોલતાં સૈયદ મીરાનની આંખોમાં રોશની ઊઠતી હતી.
“આપને તો મારે મારી યોજના કહેવી હતી, હઝરત ! આપ ઊલટા જ માર્ગે ચડી ગયા છો.”
“એક પાક ઓરતે બતાવેલો એ માર્ગ છે. બસ, વધુ કાંઈ કહેવું નથી, રજા લઈશ.”
“આદાબ, હઝરત !”
સૈયદ મીરાન ગયા, એટલે અધૂરો લખેલો કાગળ વાનપ્રસ્થ ઇતમાદખાંએ પૂરો કરવા લીધો. એ કાગળ દિલ્હીપત અકબરશાહને સંબોધાયેલો હતો. એની છેલ્લી પંક્તિઓ આ હતી : “જો પાદશાહ જલદીથી આવશે તો ગુજરાત પાદશાહને મળશે, નહિતર અફઘાનોને હંફાવવા અમદાવાદ શહેર અમે મિરઝાઓને આપીશું.”
સહી, સિક્કો ને સીલ કરીને ઈતમાદે એ કાગળ ડીસા રવાના કર્યો. મુગલ સુલતાન અકબરશાહનો મુકામ ત્યારે ગુજરાતની સરહદ પર જ હતો.
કાગળ મોકલીને પોતે પથારી પર ગયો. જઈને બોલ્યો : “મારું પણ બેવડે દોરે કામ છે ! કાં તો મિરઝાઓ આવી પહોંચે છે, ને કાં અકબરશાહ પહોંચે છે.”
“મિરઝાઓને કહેશું, કે મારો અકબરશાહને : અકબરને બિરદાવશું કે માર મિરઝાઓને.”
થોડી વાર એ થોભ્યો. સૈયદ મીરાનની વાણીનો એક બોલ એના મનમાં ગોખાઈ રહ્યો હતો : “ગુજરાતી ! આપણે ગુજરાતી ! આપણે મુસ્લિમો કે ગુજરાતી ? ગુજરાતી જેને થવું હોય તે થાય. હું તો થઈશ મુગલ, તારતાર, મંગોલ, પઠાણ – ગુજરાતને કબજે રાખવા જે થવું પડે