પૃષ્ઠ:Samarangan.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીનું ટીપું પાડ્યા વિના
75
 


“ગુજરાતી તરીકેનું મૃત્યુ હાંસલ કરવા. ચાલો હવે, ભય નથી ઇતમાદનો, ભય નથી અકબરનો. સામી છાતીએ ચાલો. ચાલો એને એટલું જ કહેવાનું કે ગુજરાતને રોળીશ ના, શહેનશાહ, જેને એકને ખતમ કરવા તું આવેલ છે અથવા તને ઈજન થયેલ છે, તે આ રહ્યો. તે તારા હાથમાં સોંપાય છે; શરણાગત લેખે નહિ, સુલતાન લેખે.” એક જ બોલ, એ જેમજેમ આગળ ચાલ્યો તેમ તેમ એના કંઠમાં ગોઠવાઈ ગયો : “મારી ગુજરાતને છૂંદીશ ના, શહેનશાહ, જેને છૂંદવો છે તે આ રહ્યો.”

“એક પણ લોહીનું ટીપું પાડ્યા વગર... મારી ગુજરાતને એક પણ ચીસ પડાવ્યા વગર.... સમાપ્ત થતું હોય તો ભલે થાવ આ મારી ગુજરાતનું સ્વરાજ... મારી અમ્માએ જેવી ચીસો પાડી હતી, એવી ચીસો પડાવશો ના કોઈ ગુજરાતને...”

પોતાના આવા અંતર-સૂરો સાંભળતો નહનૂ આગળ ને આગળ ઘોડો ચલાવતો હતો. પાછળ મૂંગા થોડા અંગરક્ષકો હતા. પંથ પાટણનો હતો. પાટણ, ગુજરાતની રાજપૂતીનો દીવો જેમાં ગુલ થયો હતો તે સ્થાન : તે ધર્મસ્થાન, તે પ્રેતસ્થાન, તે કબ્રસ્તાન.

“આ શાની છાયા મારા ઉપર પડી રહી છે ?” નહનૂએ ઊંચે જોયું. પોતાના મસ્તક પર એણે આગના ભડકા જેવું છત્ર જોયું. હજુ પણ એક અનુચર એ છત્ર ધરી રહ્યો હતો. નહનૂએ કહ્યું : “હટાવી લો એ આગને. હવે શા માટે મને ને આસમાનને જુદાઈ પડાવો છો ? એ છત્ર મારી શોભાનું છે કે મારી મશ્કરીનું ? હટાવી લો એને. ફગાવી દો આ પૃથ્વીને ખોળે. છત્ર તો ગુજરાતના રક્ષકને શિરે હોય. હું ક્યાં ગુજરાતને રક્ષી શક્યો છું ?”

છત્ર એણે દૂર હટાવી દીધું. સાથે લેવાની પણ ના પાડી. છત્ર ધરતીને ખોળે મુકાવી દીધું.

“અને આ ચંદ્રવો પણ શા માટે ? કયા વિજયનું આ નિશાન છે ? હવે મારી હાંસી કરાવો ના.”

ચંદ્રવો પણ એણે ધરતી-ખોળે મુકાવી દીધો.