પૃષ્ઠ:Samarangan.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 તંદુરસ્તી અને કસરતી કૌવત છે. એના કંઠમાં માળા છે. એની કમ્મરમાં ફક્ત કટાર છે. એના હાથમાં તલવાર છે. એ છે એક ખાખી નાગડા બાવાની ખાંભી. નાગડાઓની પલટને એ યુદ્ધમાં રાજપૂત પક્ષે યુદ્ધ કર્યું હોવાની એ નિશાની છે.

અને અચરજ તો એ છે કે અસવારની માથે બે પક્ષીઓ સામસામાં ઘૂઘવતાં કંડારેલ છે. આ હિન્દુઓની સમાધિઓથી થોડે દૂર એક હજીરો છે. તેના પર સાત મુસ્લિમ કબરો છે.

‘ભૂચર મોરી’નાં એ સ્મારકો સળગતાં વેરાન વચ્ચે ઊભાં છે. આજે પણ એ રણસ્થળ જ ભાસે છે. આવા મહત્ત્વના ઇતિહાસ-ચિહ્ન આપણાં ઐતિહાસિક સંગ્રહાલયો પોતાની પાસે તસ્વીરરૂપે, અરે નોંધરૂપે પણ સાચવે છે? નહિ. એને બાઝેલી લોકકથાઓ લુપ્ત થઈ છે. ત્યાંનાં વાસીઓ પણ પૂરી વાત કહી શકતાં નથી.

જો આપણે ભૂતકાલીન ઇતિહાસ ઉપર ચોકડી મારી નાખી હોય તો તો કશું કહેવાનું જ ન હોય. પણ એક તરફથી આપણે ઇતિહાસના અવશેષોને સંઘરવાની અને ઉકેલવાની જરૂરત સ્વીકારીએ છીએ, સંસ્થાઓ ખોલીએ છીએ. તવારીખનાં આ ઊડી જતાં પાનાં, બીજી બાજુ, અનાદર પામે છે. અર્થ એ છે કે ઇતિહાસ પ્રત્યે આપણું વલણ કાં તો ખોટી આપવડાઈનું છે. અથવા તો બનાવટી છે. ભૂતકાળ જોડેની કડી સ્પષ્ટપણે નિર્દયતાપૂર્વક તોડી નાંખી શકતાં નથી, તેમ નથી એ કેડીને યોગ્ય સ્થાને મૂકી શકતાં. આપણે ઇતિહાસને પૂંછડે બંધાયેલાં ચીંથરાં જેવી સ્થિતિ ભોગવીએ છીએ.

['જન્મભૂમિ', 23-2-1938]
 
*

[ટાંચણપોથી]નું એક પાનું ઊઘડી પડે છે. લખ્યું છેઃ ‘ભૂચર મોરી’. મારી ‘સમરાંગણ' નામની મોટી વાર્તાનો જે મધપૂડો રચાયો તેનું પ્રથમ મધુબિંદુ મૂકનાર એ કોણ હતું? નામ નથી. મિતિ કે ઠામ નથી. યાદ આવે છે. યાદ આવે છે – જીજી બારોટ. એને લઈને છેક બરડા પ્રદેશથી તે કાળના અમલદાર મિત્ર ભાઈશ્રી મોહનલાલ રૂપાણી આવેલા. યાદ આવે

[9]