પૃષ્ઠ:Samarangan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
સમરાંગણ
 


“બસ, પરવરદિગાર !” એણે શાંતિનો ઉદ્‌ગાર કર્યો : “હવે હું ફરી એક વાર અદનો નહનૂ થઈ રહ્યો. હવે મનને કેટલી બધી મોકળાશ લાગી રહી છે ! રાત્રિના આવા શીતળ પવનને, પૂનમની આવી ચાંદની-ધારાઓને, ખેતરોની આવી ખુશબોને રૂંધનાર ચંદ્રવો અને છત્ર ખસી ગયાં.

થાક લાગ્યો છે. નીંદ આવે છે. પલંગોની ચિતાઓમાં સુખેથી સૂતો નથી કો’ દી. ઘોડાની પીઠ પર આંખો ઝોલે જાય છે. રસ્તામાં એક ખેતરનું ખળું આવ્યું. ઘઉંની ફોતરીની બિછાત ચાંદનીમાં ચમકી ઊઠી. નહનૂએ ઘોડાની રકાબ છાંડીને ઘઉંની ફોતરીને સ્પર્શ કર્યો. સ્પર્શ સુંવાળો લાગ્યો. પોતે ફોતરીમાં બેસી ગયો. લેટવા લાગ્યો. નીંદ એના મગજની ચોપાસ ઘુમરાવા લાગી.

એણે આજ્ઞા આપી : “અંગરક્ષકો ! આવવા દો જે આવતા હોય તેને, તલવાર કે ખંજર ખેંચશો નહિ. એક પણ લોહીનું ટીપું રેડવું નથી. મને કેદ કરવા આવનારાઓને કહેજો ફક્ત આટલું જ, અરજ એક આટલી જ કરજો, કે મને છેલ્લી વાર પેટ ભરીને આ ગુજરાતની પૃથ્વી પર નીંદ કરી લેવા દે. પછી મને સુખેથી પકડીને પાદશાહ પાસે લઈ જાય. થોડીક જ વાર એને બેસવા કહેજો : હું જલદી જાગીશ.”

પછી એ જાગ્યો ત્યારે પ્રભાતનું સૂરજ-ફૂલ ઊઘડતું હતું, ને એની આસપાસ લાલ વાવટા ફરકાવતી મુગલ-ફોજ ઘેરી વળી હતી. તેમના કબજામાં મુઝફ્ફરે ફેંકાવી દીધેલાં બન્ને રાજચિહ્નો હતાં.

અંગેઅંગનાં પરિશ્રમને નિતારી લ્યે એવી એક નિરાંતની આળસ ખાઈને ‘હાશ’ કહેતો એ ખડો થયો. પેલાં બે રાજચિહ્નો પ્રત્યે એણે હસીને કહ્યું : “તમે ચીંથરાં પણ રાજપ્રપંચમાં ચાડિયાં બની શકો છો ને શું !”

મુગલ-ફોજની ચોકી વચ્ચે થોડી જ મજલ કાપ્યા પછી એ ઓગણીસ વર્ષનો યુવાન પાટણના કિલ્લામાં એકત્રીસ વર્ષના તેજસ્વી, હસમુખા, લાલીભર્યા અકબરશાહની સન્મુખ ઊભો રહ્યો.