પૃષ્ઠ:Samarangan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીનું ટીપું પાડ્યા વિના
77
 


“આ ગુજરાતનો સુલતાન !” અકબરે અજાયબી બતાવી : “નૌજવાન ! તું તો હજુ કિતાબો પઢવા જેવડો છે. તારા હોઠની હિના તો હજુ માતાના દૂધ વડે ભીની ભીની ભાસે છે.”

“મારી માતાએ જેવી ચીસો એક વાર પાડી હશે, તેવી ચીસો ગુજરાતની કોઈ સૈનિક-માતાને ન પાડવી પડે માટે, હે દિલ્હીપતિ ! હું તમને સુપુર્દ થવા આવ્યો છું.”

એમ બોલીને એણે શહેનશાહના દરબારમાં દૃષ્ટિ ફેરવી. ઊભેલા સર્વ ગુજરાતી અમીરોને એક પછી એક ઓળખ્યા. એક દાઢીમાં ઢંકાયેલું મુખ નીચે ઢળ્યું હતું. કાળા સાપની સફેદ કાંચળી સોંસરી પાણીદાર લાલ આંખો ચમકે તેમ એ મોંની બે આંખો ચમકતી હતી.

“ઓહોહો ! આ તો મારા પાલક-પિતા ઇતમાદખાન !” નહનૂએ એ વૃદ્ધને પિછાની લીધો ને પછી નીચે જોયું.

“નૌજવાન !” અકબરે જવાબ દીધો : “મુગલશાહ ગુજરાતને ગુલશન બનાવશે.”

નહનૂએ દોડીને અકબરના હાથ પર બોસો લીધો. અકબરશાહ બોલ્યા : “પણ એક જ શર્તે કે તારે મારી સાથે આગ્રા આવવું. જો આ મારા સાથીદાર રાજા માનસિંહ અને ટોડરમલ : તારા જેવડા જ છે ને હજુ ! એ તને ઈલમ ભણાવશે – વીરતાનો ને રાજવહીવટનો. એ તને સવારીઓમાં લઈ જશે. અબુલફઝલ તને ઇતિહાસ શીખવશે. ફરી એક દિવસ હું તને ગુજરાતનું ગુલશન સંભાળવા મોકલીશ ત્યારે તારી આ દશા કોઈ ઇતમાદ, કોઈ શેરખાં કે કોઈ મિરઝા નહિ કરી શકે.”

“અહેસાન અકબરશાહનો.” નહનૂએ નમન કર્યું, અને યમુના નદીના કિનારા એની આંખો સામે અનંત હરિયાળી પાથરી રહ્યા.