પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પૂર્વે સૂર્યોદયનાં પીછાં પોપટિયાં
રંગે છે દેવના ઉતારા રે લોલ :
પશ્ચિમ પતંગિયાની પાંખો, રસિકડાં !
વીંઝે અહિં સ્વર્ગપલકારા કે લોલ.

ચંદાની દૂર દૂર ચમકે કીકી ત્યાં
ઉછળે મહેરામણ ખારા રે લોલ :
એવા સંકેત ઉર ધારે, રસિકડાં !
ઊંડા છે આત્મના ઉધાર રે લોલ !

પલક પલક પ્રાણકુંદન કસીને
ઝરતું આકાશ અંગારા રે લોલ :
જીવનના જોગ કૈં એવા, રસિકડાં !
એવા છે પ્રાણના પુકારા રે લોલ.

જીવનરુદનના તારે ઝૂલાઈ
પૂરે છે સ્વર્ગ લલકારા રે લોલ :
અશ્રુમીઠાં તે એનાં ગીતા, રસિકડાં !
કરશે કંઇ દિવ અણસારા રે લોલ