પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨


હોય વિલંબ હવે શા ઠાલો ?
ધપતા ધપતા આગળ ચાલો : અગ્ર રહી ઘુમવું છે આજ;
ધજા રહી છે આ તમ કરમાં, ને ભારતની અમુલખ લાજ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

નથી રુધિર રેલવવાં કોનાં;
નથી હૃદય ચીરી અરિઓનાં નિજ હૃદયો કરવાં પ્રભુભંગ;
નથી વિજયના રંગ રુધિરમાં જ્યાં જનરક્ત ભરે ઉરગંગ :
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

પ્રેમ વરસે ત્યાં દ્વેષ રહે ક્યાં ?
આકાશે અંધાર વહે ક્યાં, જ્યાં દિનકરનો થાય પ્રકાશ ?
જ્ઞાનદીપ સળગ્યો જ્યાં અંતર ત્યાં અજ્ઞાનતણો છે નાશ;
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

મરદાની મુજ ગુર્જર વીરા !
કાર્યધુરંધર, શૂર, અધીરા ! મુખ યૌવનનો ગર્વપ્રતાપ;
અંગ રુધિર ઉછળે નભ અડતાં ; ભરો હરોલે હર્ષ અમાપ !
ઓ ગુજરાત !ઓ ગુજરાત !