પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.છીપે છીપે મોતી દીપે, સાગરને ભંડાર;
નયને નયને તેજ નચાવતાં, વસી ઊંડે અંધા૨ :
ડૂબકી ભરી ભરી કાઢે કો, તેજે નયન નયન રંગાય ! —
ઘુંટડા ભરી ૦

કણ કણમાં જો મણિ વિલસે છે, બિંદુ બિંદુ બ્રહ્માંડ;
રસગ્રાહક રજરજમાં નિરખે ભર્યો દિવ્ય રસકાંડ :
નયનાં ભરી ભરી નિરખો કો, રસરસ થળે થળે નીતરાય ! —
ઘુંટડા ભરી ૦

સરોવર છલકે છલકાતાં રસજીવનને અર્થ :
ધન્ય ઝીલે રસ રાજહંસ કો, બગ ઊભા રહે વ્યર્થ !
આત્મા ભરી ભરી ઝીલો કો, પ્રભુની રસપ્રભુતા પથરાય !—
ઘુંટડા ભરી ભરી પીઓ કો, રસનાં સરોવરો છલકાય !