પૃષ્ઠ:Sandeshika.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬


વસંતના ભણકા

(ગરબી)

થનગન વનમાં નાચે વસંતડી,
હૈયાની કુંજ મારી હૂલે ઝૂલે;
ઊંડેરી એક તહિંં બોલે કોયલડી,
ડોલે વસંતડી ફૂલે ફૂલે. — થનગન૦

ઉજળા આકાશમાં ઉઘડે વસંતડી,
દિનદિન રંગ કંઈ નવલા ઝરે;
રંગે રંગે મારી ચમકે આંખલડી,
ઠમકે વસંતડી ધરણી પરે. — થનગન૦

રસ રસ કરતી રેલે વસંતડી,
તરસી જગત અમીબિંદુ ઝીલે;
હૈયે મારે ધારા ફૂટે મીઠલડી,
લૂંટે વસંતડી છલકે ખીલે. — થનગન૦