પૃષ્ઠ:Sandeshika.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯



લહરી મીઠી આવી રસે અલબેલડી
ફૂલડાંને કાને કરતી રસવાત જો ;
ને એ લહરી સંગ ભરી કરવેલડી
મધુરી મારી આવી સરલતા સાથ જો:
એ સરલા સુંદરતા ગઈ કયાં આજ રે ? ......૩

લીલમલીલી શીતલ આંબાવાડીમાં
પાંખડીએ વળગી ફરતાં'તાં રોજ જો;
કે સંતાઈ ચણોઠી કેરી ઝાડીમાં
દેવ પરીની વાતે લેતાં મોજ જો :
એવી એ પળ મીઠી ગઇ કયાં આજ રે ? ..... ૪

મીઠડલાં ફૂલડાંને વધુ મહેકાવતી
મીઠડલી આવી'તી મધુરી મારી જો;
કોમળ શ્વાસસુવાસે હૃદય હુલાવતી
ચારી લેતી'તી મુજ દુનિયા સારી જો :
એવી એ સુંદરતા ગઈ કયાં આજ રે ?........ ૫