પૃષ્ઠ:Sandeshika.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦


સુંદરતાનો અંત ખરે જલદી દિસે,
ને ગુલની કટુતા પામે ગુલપ્રેમી જો :
તડકા સાથે ગઈ મધુરી પશ્ચિમ વિશે, –
ને મુજ માટે તો રજની છે નેમી જો:
હા ! એ સુંદરતા મળશે કયાં આજ રે ?....૬

છે માધુર્યે શોક કંઈ અદ્ભુત ભર્યો,
ને શોકે પણ છે માધુર્ય અનેરું જો;
હા, મધુરી ગઈ ને કટુતામાં રહું ઠર્યો,
ને આ હૃદય સ્મરે મધુરું ને ઘેરું જો :
એવી એ સુંદરતા ઠરી ઉર આજ રે !.....૭

છે આદિ કે અંત ન જગમાં કાંઇનો
જે નહિ માગે આંસુકેરું મૂલ જો :
અન્યતણાં દુઃખમાં છે જન્મજ આપણો,
ને નિજ દુ:ખમાં બનવું આખર ધૂળ જો !
તો તે સુંદરતા શોધું કયાં આજ રે ?...... ૮